ભૂતપૂર્વ સુકાની ઝુલન ગોસ્વામી (Photo by Albert Perez/Getty Images)

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાલમાં ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરી ચારમાંથી ત્રણ મેચમાં જ્વલંત વિજય નોંધાવ્યા છે, તો સાથે સાથે ટીમની પીઢ ખેલાડી, ભૂતપૂર્વ સુકાની ઝુલન ગોસ્વામી અને પછી હાલની સુકાની મિતાલી રાજે બે યશસ્વી રેકોર્ડ સર્જ્યા હતા. ઝુલન ગોસ્વામીએ મહિલા વર્લ્ડ કપ સ્પર્ધામાં 40 વિકેટ ઝડપી સૌથી વધુ વિકેટ હાંસલ કર્યાનો 34 વર્ષ જુનો રેકોર્ડ તોડી સિદ્ધિ મેળવી હતી.

ભારતીય ટીમ તરફથી તેણે કારકિર્દીનો આરંભ 2002માં કર્યો હતો. તેણે અત્યારસુધીમાં 198 વન-ડે ઈન્ટરનેશનલ્સ રમી 249 વિકેટ સાથે વિશ્વમાં સૌથી વધુ વન-ડે વિકેટનો પણ રેકોર્ડ તેના નામે કર્યો છે. 39 વર્ષની વયે પણ ભારત તરફથી રમી તે જ્વલંત દેખાવ કરતી રહી છે. બીજી તરફ ભારતીય ટીમની સુકાની મિતાલી રાજે પણ મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં સુકાનીપદે 24 મેચ રમી એક નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. અત્યાર સુધીમાં સૌથી વધુ – 24 વર્લ્ડ કપ વન-ડે મેચમાં સુકાનીપદે રહી મિતાલીએ ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો હતો. ઝુલનની સાથે સાથે વયમાં તે પણ 39 વર્ષની પીઢ ખેલાડી છે અને  વર્લ્ડ કપની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સુકાનીપદે રમતાં જ વર્લ્ડ કપમાં વધુ મેચમાં કેપ્ટન્સીનો એક નવો રેકોર્ડ મિતાલીએ કર્યો હતો. તે ભારત માટે 24 વર્લ્ડ કપ મેચમાં સુકાનીપદે રહી છે.

પોતાના સુકાનીપદ હેઠળની 24 મેચમાંથી ભારતનો 15માં વિજય, 8 મેચમાં પરાજય અને એક મેચ પરિણામ વિનાની રહી હતી. મિતાલી અને ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્ક બે જ એવી મહિલા ખેલાડીઓ છે કે જેમણે બે કરતાં વધુ વર્લ્ડ કપમાં ટીમનું સુકાનીપદ સંભાળ્યું હોય. મિતાલીનો તો એક વધુ રેકોર્ડ એવો પણ છે કે છ વર્લ્ડ કપમાં રમી હોય તેવી વિશ્વની તે એકમાત્ર મહિલા ક્રિકેટર છે.