આર્સેલર મિત્તલ ગ્રૂપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઇઓ દિલિપ ઓમેન ગાંધીનગરમાં 20 ઓગસ્ટ 2021ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક યોજી હતી. (ફોટો સૌજન્યઃ ફેસબુક પોસ્ટ @vijayrupanibjp

સ્ટીલ કિંગ અને આર્સેલર મિત્તલના વડા લક્ષ્મી મિત્તલે શુક્રવારે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને આગામી દિવસોમાં ગુજરાતમાં રૂા.50,000 કરોડ રોકાણ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

મુખ્યપ્રધાન સાથેની આ મુલાકાતમાં લક્ષ્મી મિત્તલે સુરતના હજીરા ખાતેના તેમના સ્ટીલ પ્લાન્ટના વિસ્તરણ રૂા.50 હજાર કરોડનું વધારાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

લક્ષ્મી મિત્તલે મુખ્યપ્રધાન સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદન ક્ષેત્રે પણ 50 હજાર કરોડનું રોકાણ તેમનું ગ્રુપ કરશે. આગામી દિવસોમાં તેઓ રૂા.1 લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં કરવા ઉત્સુક છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, વિજય રૂપાણીએ આ અંગે સકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદની ખાતરી આપી હતી અને આ રોકાણ માટે તેમને આવકાર્યા હતા.
મુખ્યપ્રધાનની પ્રશંસા કરતાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ રૂપાણીના માર્ગદર્શન અને દ્વષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ ગતિ અટકી નથી. આ શુભેચ્છા મુલાકાત વખતે મુખ્યપ્રધાન અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડે હજીરા ખાતેના તેના સ્ટીલ પ્લાન્ટના વિસ્તરણ માટે રાજ્ય સરકાર પાસેથી વધુ જમીનની માગણી કરી હોવાનું માનવામાં આવે છે.કંપની તેના સ્ટીલ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 8.6 મિલિયન ટનથી વધારીને 18 મિલિયન ટન કરવા માગે છે. તે માટે રૂા.70,000 કરોડના નવા રોકાણની જરૂર પડશે અને તેનાથી રોજગારીની નવી એક લાખ તકનું સર્જન થશે