ગુજરાતના વડગામના કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તન કરવાના આરોપમાં આસામની કોર્ટે જામીન આપ્યા છે. ધારાસભ્ય પર આસામ પોલીસે ગેરવર્તણૂકનો આરોપ મૂક્યો હતો. આ મુદ્દે કેસ નોંધ્યા બાદ તેમની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી જ્યારે અગાઉ કોર્ટે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટ્વિટ કરવાના કેસમાં જામીન આપ્યા હતા.
આસામના કોકરાઝારના સ્થાનિક ભાજપ નેતાએ મેવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ગત ગુરુવારે ગુજરાતના પાલનપુરમાંથી આસામ પોલીસે તેમની સૌપ્રથમ ધરપકડ કરી હતી, મેવાણી પર પીએમ મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવાનો આરોપ છે.
જે દિવસે તેમને ટ્વિટ કેસમાં જામીન મળ્યા તે દિવસે મેવાણીએ પત્રકારોને કહ્યું હતું કે, આ ભાજપ અને આરએસએસનું ષડયંત્ર છે. તેમણે મારી છબી ખરાબ કરવા માટે આવું કર્યું છે. તેમણે રોહિત વેમુલા સાથે કર્યું, તેમણે ચંદ્રશેખર આઝાદ સાથે પણ કર્યું અને હવે તે મને ટાર્ગેટ બનાવી રહ્યા છે.