ભાજપના 42માં સ્થાપના દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યું હતું (PTI Photo)

ભાજપના 42માં સ્થાપના દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે ચૈત્રી નવરાત્રની પાંચમી તિથિ છે, આજના દિવસે આપણે બધા મા સ્કંદમાતાની પૂજા કરીએ છીએ. આપણે બધાએ જોયું કે મા સ્કંદમાતા કમળના આસન પર બિરાજમાન રહે છે અને તેમના બંને હાથમાં કમળનું ફૂલ હોય છે. તેમણે વધુમાં કહ્યું કે હું દેશ અને દુનિયાભરમાં ફેલાયેલા ભાજપના પ્રત્યેક સભ્યને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું. કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કોહિમા સુધી ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને નિરંતર સશક્ત કરી રહ્યો છે.

મોદીએ જણાવ્યું હતું કે આ વખતનો સ્થાપના દિવસ વધુ 3 કારણસર મહત્વપૂર્ણ બની ગયો છે. પહેલું કારણ એ કે હાલ આપણે દેશની આઝાદીના 75 વર્ષનું પર્વ ઉજવી રહ્યા છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. તે પ્રેરણાની ખુબ મોટી તક છે. બીજુ કારણ એ છે કે ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ, બદલતી વૈશ્વિક વ્યવસ્થા. તેમાં ભારત માટે સતત નવી સંભાવનાઓ બની રહી છે. ત્રીજુ કારણ પણ એટલું જ મહત્વનું છે. થોડા સમય પહેલા ચાર રાજ્યોમાં ભારતની ડબલ એન્જિનની સરકાર પાછી ફરી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં કોઈ પાર્ટીના સભ્યોની સંખ્યા 100 સુધી પહોંચી છે.

વિપક્ષ પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અમારા માટે રાજનીતિ અને રાષ્ટ્રનીતિ સાથે સાથે ચાલે છે. અમે રાજનીતિથી રાષ્ટ્રનીતિને અલગ કરીને ચાલનારા લોકો નથી. એ પણ સાચી વાત છે કે અત્યારે દેશમાં બે પ્રકારની રાજનીતિ ચાલી રહી છે. એક રાજનીતિ પરિવારભક્તિની છે અને બીજી રાષ્ટ્રભક્તિની છે. કેન્દ્રીય સ્તર પર અલગ અલગ રાજ્યોમાં અમુક રાજકીય પક્ષો છે, જે માત્ર ને માત્ર તેમના પરિવારનાં હિતો માટે કામ કરે છે. પરિવારવાદી સરકારમાં પરિવારના સભ્યોનો સ્થાનિક ચૂંટણીથી લઈને સંસદ સુધી દબદબો રહેતો હોય છે. આ પરિવારવાદી પાર્ટીઓએ દેશના યુવકોને પણ આગળ નથી વધવા દીધા. તેમની સાથે હંમેશાં વિશ્વાસઘાત થયો છે. આજે આપણને ગર્વ થવો જોઈએ કે ભાજપ જ એક માત્ર પાર્ટી છે, જે આ પડકારથી દેશને સજાગ કરી રહી છે. આ અગાઉ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાજપના સ્થાપના દિવસ પર લખનૌ પાર્ટી કાર્યાલયમાં પાર્ટીનો ઝંડો ફરકાવ્યો હતો.