આવતા મહિને જાપાનમાં અમેરિકન પ્રેસિડેન્ટ જો બિડેન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત યોજાશે. આ અંગે વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે જો બિડેન મે મહિનામાં સાઉથ કોરિયા અને જાપાનનો પ્રવાસ યાત્રા કરશે અને ટોકિયો ખાતે ક્વાડ શિખર સંમેલનમાં હાજર રહેશે. આ દરમિયાન તેઓ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત લેશે. બિડેન 20થી 24 મેના રોજ સાઉથ કોરિયા અને જાપાના પ્રવાસ જશે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જે સાકીએ જણાવ્યું કે, ‘આ પ્રવાસ સ્વતંત્ર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટેની બિડેન-હેરિસ એડમિનિસ્ટ્રેશનની કટિબદ્ધતાને આગળ વધારશે.’ આ પ્રવાસ દરમિયાન બિડેન સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટ યૂં સુક યેઓલ અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફુમિયો સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. આ ઉપરાંત અમેરિકન પ્રેસિડેન્ટ ટોકિયો ખાતે ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને અમેરિકાના ક્વાડ સમૂહના વડાઓને પણ મળશે.