સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ચુકાદો આપ્યા બાદ હવે કેન્દ્ર સરકાર આ મુદ્દા પર આગળ વધી છે. કેન્દ્રીય કેબિનેટે મંદિર માટે બનાવેલા ટ્રસ્ટને પોતાની મંજૂરી આપી દીધી છે. બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા પ્લાન અંગે માહિતી આપી. તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરવા માટે જમીન અને ટ્રસ્ટ અંગે લોકસભામાં માહિતી આપી છે.વડાપ્રધાન મોદીએ સરકારની તરફથી રામ મંદિર ટ્રસ્ટ પર જાહેરાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે રામ મંદિર માટે એક સ્વાયત્ત ટ્રસ્ટ બનાવાશે. આ ટ્રસ્ટનું નામ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હશે. પીએમે કહ્યું કે આ ટ્રસ્ટ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે મંદિર બનાવા માટે બનશે.

પીએમએ સંસદમાં માહિતી આપી કે સવારે કેન્દ્રી કેબિનેટની બેઠકમાં રામ મંદિરને લઇ અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર શ્રીરામ જન્મસ્થળી પર ભવ્ય મંદિરના નિર્માણ માટે અને તેનાથી સંબંધિત અન્ય વિષયો માટે એક વિશાળ યોજના તૈયાર કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે એક સ્વાયત્ત ટ્રસ્ટ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના રચનાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.9મી નવેમ્બરના રોજ અયોધ્યા પર ચુકાદો આવ્યા બાદ દેશવાસીઓએ પરિપક્વતાનો પરિચય આપ્યો.

આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ વસુધૈવ કુટુમ્બકમના દર્શન આપે છે અને આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. હિન્દુસ્તાનમાં દરેક પંથના લોકો પછી હિન્દુ, મુસ્લિમ, સિખ, ઇસાઇ હોય કે બૌદ્ધ, પારસી જૈન હોય, આપણે બધા એક વૃહદ પરિવારના સભ્ય છે. આ પરિવારના દરેક સભ્યનો વિકાસ થાય, તેઓ સુખી રહો, સ્વસ્થ રહો, દેશનો વિકાસ થાય એવી ભાવના સાથે મારી સરકાર સબકા સાથ, સબકા વિશ્વાસના મંત્ર પર ચાલી રહી છે.

પીએમે સંસદમાં કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં 5 એકર જમીનની ફાળવણી કરાશે. યુપી સરકારે પણ પોતાની સહમતિ પ્રદાન કરી દીધી છે. ભારતના પ્રાણવાયુમાં, આદર્શોમાં, મર્યાદાઓમાં ભગવાન શ્રીરામ અને અયોધ્યાની ઐતિહાસિકતાથી અમે બધા પરિચિત છીએ. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ વર્તમાન અને ભવિષ્યમાં રામલલાના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખતા બીજો એક નિર્ણય કરાયો છે. પીએમે કહ્યુંકે કાયદાની અંતર્ગત 67.03 એકર જમીન ટ્રસ્ટને ટ્રાન્સફર કરાશે. જેમાં અંદર અને બહાર આંગણ પણ સામેલ છે. તેમણે કહ્યું કે રામલલા વિરાજમાનની જમીન પણ ટ્રસ્ટને મળશે. આ ટ્રસ્ટ જ ભવ્ય અને દિવ્ય રામ મંદિર નિર્માણ પર નિર્ણય લેશે.