ભારતના વડાપ્રધાન 23 સપ્ટેમ્બર 2021ના રોજ એડોબીના ઇન્ડિયન અમેરિકન સીઇઓ શાતનું નારાયણને મળ્યા હતા. IMAGE PROVIDED BY PMO ON THURSDAY, SEPT. 23, 2021 (PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન ગુરુવારે અમેરિકાના ટોચના પાંચ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. મોદીએ આ બેઠકોમાં ડ્રોન, 5G, સેમિ કન્ડકટર અને સોલર એનર્જી સહિતના સંખ્યાબંધ મુદ્દા પર કોર્પોરેટ વડા સાથે ચર્ચાવિચારણા કરી હતી. મોદીએ ભારતમાં વિપુલ તક હોવાનું જણાવીને આ સીઇઓને ભારતમાં રોકાણ કરવાનું પ્રોત્સાહન આપ્યું હતું.

જનરલ એટોમિક્સે ભારતની નવી ડિફેન્સ પોલિસીની પ્રશંસા કરી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટનમાં 23 સપ્ટેમ્બર 2021ના રોજ જનરલ એટોમિક્સના ઇન્ડિયન અમેરિકન સીઇઓ વિવેક લાલને મળ્યા હતા. (IMAGE PROVIDED BY PMO ON THURSDAY, SEPT. 23, 2021 (PTI Photo)ઇન્ડિયન અમેરિક વિવેક લાલ જૂન 2020માં જનરલ એટોમિક્સના સીઇઓ બન્યાં હતા. મોદી અને લાલે ડ્રોન ટેકનોલોજીમાં ભારતના પ્રયાસોની ચર્ચા કરી હતી. પીએમઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બંને વચ્ચે ભારતમાં ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રને મજબૂત કરવાની ચર્ચા થઈ હતી. વિવેક લાલે ડિફેન્સ ક્ષેત્રને વેગ આપવા માટે ભારતે તેની નીતિમાં કરેલા ફેરફારની પ્રશંસા કરી હતી. જનરલ એટોમિક્સ 2018માં ભારતમાં પ્રવેશી હતી.

બ્લેકસ્ટોનના CEO રિયલ્ટી ક્ષેત્રમાં રોકાણ માટે આતુર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટનમાં 23 સપ્ટેમ્બર 2021ના રોજ બ્લેકસ્ટોનના સીઇઓ સ્ટીફન શ્વાર્ઝમેનને મળ્યા હતા. (IMAGE PROVIDED BY PMO ON THURSDAY, SEPT. 23, 2021 (PTI Photo)બ્લેકસ્ટોનના સીઇઓ સ્ટીફન શ્વાર્ઝમેને મોદી સાથે મુલાકાત દરમિયાન ભારતમાં કંપનીના હાલના પ્રોજેક્ટ્સની ચર્ચા વિચારણા કરી હતી. બ્લેકસ્ટોન ન્યૂ યોર્ક ખાતેની ઓલ્ટરનેટિવ ઇન્વેસમેન્ટ કંપની છે. શ્વાર્ઝમેને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અને નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન હેઠળની ભારતમાં રોકાણની આશાસ્પદ તકોની ચર્ચા કરી હતી. તેમણે ભારતના ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ રોકાણની ઇચ્છા વ્યક્ત કરી હતી. 2006માં ભારતના બજારમાં પ્રવેશ કરનારી બ્લેકસ્ટોને પ્રાઇવેટ ઇક્વિટી, રિયલ એસ્ટેટ, એજ્યુકેશન, ફેશન, પેકેજિંગ અને હાઉસિંગ ફાઇનાન્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આશરે 15 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

ક્વોલકોમના CEO ભારતના 5G માટે કામ કરવા ઉત્સાહિત

ક્વોલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો અમોને વડાપ્રધાન સાથેની બેઠકમાં ભારતમાં 5G, PM WANI સહિતના મહત્ત્વકાંક્ષી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામમાં ભારત સાથે કામ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. તેમણે સેમિકન્ડકર ક્ષેત્રમાં ભારત સાથે ભાગીદારી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.તેમણે વડાપ્રધાન મોદી સાથે ભારતની નવી ડ્રોન નીતિ અંગે ચર્ચા કરી હતી. મોદીએ ભારતની ઉત્પાદન લિન્ક્ડ પ્રોત્સાહન યોજના (પીએલઆઇ)નો લાભ લઇને ભારતમાં ઉત્પાદન ચાલુ કરવા અને ભારતના ટેલેન્ટ પર વિશ્વાસ મૂકવાનો અનુરોધ કર્યો હતો. ક્વોલકોમ અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની છે, જે સેમિકન્ડકટર, સોફ્ટવેર અને વાયરલેસ ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ ગણાય છે. કંપની ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્ર સહિત વ્યાપક હાજરી ધરાવે છે.

એડોબી ભારતમાં વિડિયો, એનિમલ ટેકનોલોજી લાવશે

વડાપ્રધાન મોદી એડોબીના ઇન્ડિયન અમેરિકન સીઇઓ અને પ્રેસિડન્ટ શાંતનું નારાયણને પણ મળ્યા હતા. એડોબીનો વિશ્વની સૌથી મોટી અને સૌથી ડાઇવર્સિફાઇડ સોફ્ટવેર કંપનીઓમાં સમાવેશ થાય છે. સીઇઓ તરીકે શાંતનુ ક્લાઉડ આધારિત સબસ્ક્રિપ્શન મોડલના પ્રણેતા ગણાય છે. મોદી સાથેની મંત્રણામાં તેમણે કોરોના મહામારી સામેના ભારતના પ્રયાસો અને ઝડપી રસીકરણની પ્રશંસા કરી હતી. તેમણે વિડિયો અને એનિમેશન ભારતના દરેક બાળક સુધી લઈ જવાનો રસ દર્શાવ્યો હતો. તેમણે ભારતમાં હાલના જોડાણ અને ભાવિ રોકાણની પણ ચર્ચા કરી હતી. બંને વચ્ચેની ચર્ચામાં ભારતના ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ તથા હેલ્થ, એજ્યુકેશન અને આર એન્ડ ડી જેવા ક્ષેત્રોમાં ઊભરતી ટેકનોલોજીના ઉપયોગ પર ફોકસ કરવામાં આવ્યો હતો.

ફર્સ્ટ સોલરના CEO થીન-ફિલ્મ ટેકનોલોજી લાવશે

વડાપ્રધાન ફર્સ્ટ સોલરના સીઇઓ માર્ક વિડમરને પણ મળ્યા હતા. આ બેઠકમાં વિડમરે અનોખી થીન-ફિલ્મ ટેકનોલોજી સાથે સોલર પાવર ઇક્પિપમેન્ટના ઉત્પાદન માટે પીએલઆઇ સ્કીમનો ઉપયોગ કરવાની યોજના રજૂ કરી હતી. તેમણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતના સંકલનની પણ યોજના આપી હતી. આ બેઠકમાં મોદીએ ‘વન વર્લ્ડ, વન સન એન્ડ વન ગ્રીડ’ પ્રોગ્રામ સહિત સોલર એનર્જી માટે ભારતના પ્રયાસોની તથા આ ક્ષેત્રમાં રોકાણની તક અંગે વિગતો આપી હતી, એમ મોદીના સત્તાવાર ટ્વીટર હેન્ડલમાં જણાવાયું હતું.