ભારતના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે 56 મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન ખરીદવા માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે રૂા.20,000 કરોડના કરાર કર્યો હતો. (PTI Photo)

ભારતના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે 56 મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન ખરીદવા માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે રૂા.20,000 કરોડના કરાર કર્યો હતો. આ સમજૂતીના ભાગરૂપે ભારત એરબસ પાસેથી C-295 મીડિયમ ટ્રાન્સપોર્ટ વિમાનની ખરીદી કરશે. ભારતમાં આ વિમાનો ભારતીય હવાઇદળના એવરો 748 વિમાનોનું સ્થાન લેશે. આ અંગેની દરખાસ્તને સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ બે સપ્તાહ પહેલા મંજૂરી આપી હતી.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયે સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 56 ટ્રાન્સપોર્ટ વિમાનો માટે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ એરબસ 48 મહિનામાં ઉડ્ડયન માટે સજ્જ હોય તેવા 16 વિમાનો આપશે. બાકીના 40 વિમાનું ઉત્પાદન ભારતમાં થશે. આ વિમાનનું ઉત્પાદન એરબસ ડિફેન્સ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ દ્વારા આગામી દસ વર્ષમાં કરવામાં આવશે.

C-295 MWની વહન ક્ષમતા 5થી 10 ટન સુધીની છે. ભારતમાં ખાનગી કંપની દ્વારા લશ્કરી વિમાનનું ઉત્પાદન થાય તેવો આ પ્રથમ પ્રોજેક્ટ્સ છે. આ વિમાનના પાર્ટસ, સબ એસેમ્બલી અને કમ્પોનન્ટનું ઉત્પાદન ભારતમાં થશે.