યુએનની મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીર રાગ આલાપ્યા બાદ ભારતે ભારતના ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ તેજાબી ભાષણમાં જણાવ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન વધુ એક વખત અમારા દેશની આંતરિક બાબતનો વૈશ્વિક ફોરમમાં ઉલ્લેખ કરીને મારા દેશની છબિને ખરડવા પ્રયાસ કર્યો છે. વિશ્વ મંચ પર તેઓ જુઠાણા ફેલાવી રહ્યા છે. જો કે વારંવાર આવા જુઠા નિવેદનો કરનાર નેતાની માનસિકતા માટે સહાનુભૂતિની જરૂર છે.

દુબેએ વધુમાં જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન આતંકવાદનો ભોગ બન્યું છે. પાકિસ્તાન પોતે જ આગ લગાવ્યા બાદ તેને બુઝાવવાની કામગીરી કરતું હોવાનો ડોળ કરે છે. પાકિસ્તાન દ્વારા તેના ઘરમાં જ આતંકવાદન ઉછેરવામાં આવ્યો છે અને તેનાથી તેના પાડોશી દેશોને નુકસાન થશે. પાકિસ્તાનની આવી નીતિને પગલે ભારત ઉપરાંત સમગ્ર વિશ્વને સહન કરવું પડે છે. આ ઉપરાંત પાકિસ્તાન સાંપ્રદાયિક હિંસા ઉપર પણ ઠાંકપીછોડો કરવા પ્રયાસ કરી રહ્યું છે.

જવાબના અધિકાર હેઠળ દુબેએ કડક શબ્દોમાં પાકિસ્તાન વડાપ્રધાનને નિવેદનને વખોડ્યું હતું. તેમણે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો ભાગ હતો, છે અને રહેશે. આ પ્રદેશમાં પાકિસ્તાનને ગેરકાયદે કબ્જે કરેલા કેટલાક ભાગનો પણ સમાવેશ થાય છે. આથી અમે પાકિસ્તાનને તાત્કાલિક આ ક્ષેત્રને ખાલી કરવા પણ જાણ કરીએ છીએ.

પાકિસ્તાન દ્વારા કાશ્મીરનો મુદ્દો વૈશ્વિક મંચ પર અવારનવાર ઉઠાવવામાં આવે છે, પરંતુ વિશ્વ સમુદાયે તેને જરાય મચક આપી નથી. કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય છે અને બે દેશો વચ્ચેની બાબત છે તે વિશ્વએ સ્પષ્ટ કરી દીધું છે.
પાકિસ્તાનના વડાપ્રધાને એક નહીં પરંતુ અનેક વખત વૈશ્વિક મંચનો દુરૂપયોગ કર્યો છે તેનો અમને ખેદ છે. યુએન જેવા પ્લેટફોર્મ પર કાશ્મીર મુદ્દે જુઠાણા ફેલાવી પોતાનો પ્રોપગેન્ડા સેટ કરવો દુઃખદ છે. ભારત વિરુદ્ધ આવા પ્રોપગેન્ડા થકી પાકિસ્તાન પોતાના દેશની દયનીય સ્થિતિથી વિશ્વનું ધ્યાન ભટકાવવા પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં આતંકને ખુલ્લો દોર રહેલો છે. પાક.માં સામાન્ય લોકો ખાસ કરીને લઘુમતિઓની સ્થિતિય અત્યંત ખરાબ છે તેમ દુબેએ જણાવ્યું હતું.