ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત થયા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી સ્વીકૃત નેતાઓની યાદીમાં નરેન્દ્ર મોદી અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોનથી પણ આગળ છે. અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ કંપની ‘મોર્નિંગ કન્સલ્ટ’એ કરેલા એક વૈશ્વિક સર્વે અનુસાર સ્વીકૃત નેતાઓની બાબતમાં નરેન્દ્ર મોદી હજુ પણ વૈશ્વિક નેતાઓની સરખામણીમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વૈશ્વિક સ્વીકૃત રેટિંગ ૬૬ ટકા છે. ડેટા મુજબ કોરોનાકાળમાં પણ પીએમ મોદી અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મની સહિત ૧૩ દેશોના અન્ય નેતાઓ કરતાં આગળ છે.
આ સર્વે મુજબ કોરોનાની બીજી લહેરમાં તેમની લોકપ્રિયતા અથવા સ્વીકૃત રેટિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો, આમ છતાં તેઓ વિશ્વમાં ટોચ પર છે અને અન્ય વૈશ્વિક નેતાઓની સરખામણીમાં તેમની કામગીરી ખૂબ સારી રહી છે. આ સર્વેમાં મોદી પછી ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીનું સ્થાન છે, જેમનું રેટિંગ ૬૫ ટકા છે. ત્રીજા નંબરે મેક્સિકોના પ્રેસિડેન્ટ લોપેઝ ઓબ્રેડોર છે, જેમનું રેટિંગ ૬૩ ટકા છે. મોર્નિંગ કન્સલ્ટ નિયમિત વિશ્વના નેતાઓનું સ્વીકૃત રેટિંગ ટ્રેક કરે છે. તે મુજબ, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન ૫૪ ટકા, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ ૫૩ ટકા, અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેન ૫૩ ટકા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ૪૮ ટકા, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ૪૪ ટકા, સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જે-ઈન ૩૭ ટકા, સ્પેનિશ સ્પેન પેડ્રો સાંચેઝ ૩૬ ટકા, બ્રાઝિલના પ્રેસિડેન્ટ જેર બોલ્સોનારો ૩૫ ટકા અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મૈક્રો ૩૫ ટકા તથા જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા ૨૯ ટકા સાથે યાદીમાં સ્થાન ધરાવે છે.
ભારતમાં 2, 126 લોકોએ ભાગ લીધો હતો અને વડાપ્રધાન મોદી માટે ૬૬ ટકા સ્વીકૃતિ બતાવી જ્યારે ૨૮ ટકાએ તેમને અસ્વીકૃત કર્યા. આ ટ્રેકરને છેલ્લે ૧૭મી જૂને અપડેટ કરાયું હતું.