પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના કોલંબસ ખાતે એક બેન્કની નજીક સોમવારની રાત્રે એક અમેરિકન ગુજરાતીની લૂંટારુએ ગોળી મારીને હત્યા કરી લૂંટ ચલાવી હતી. મૃતકની અમિત પટેલ તરીકે ઓળખ થઈ હતી અને તેઓ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદના વતની છે. 45 વર્ષના અમિત પટેલ ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા હતા.

કોલંબસ પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર બુએના વિસ્ટા રોડ પર સિનોવસ બેન્કની બહાર અજાણ્યા બંદૂકધારીએ પટેલ પર નજીકથી ગોળીબાર કર્યો હતો. પોલીસ આ ગોળીબારની ઘટનાની લૂંટના કેસ તરીકે તપાસ કરી રહી છે. આ બંદૂકધારી અમિત પટેલ પાસેના નાણા લઇને ફરાર થયો હતો. પ્રાથમિક તપાસ મુજબ અમિત પટેલ બુએના વિસ્ટા રોડ પર આવેલા એક ગેસ સ્ટેશનના માલિક છે અને તેઓ વિકેન્ડ કલેક્શન જમા કરવા બેન્કમાં જઈ રહ્યાં હતા. અમિત પટેલના બિઝનેસ પાર્ટનરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પટેલનો પરિવાર સોમવારે તેમની પુત્રીના ત્રીજા જન્મદિનની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો.

અમિત પટેલ બેન્ક બિલ્ડિંગમાં પ્રવેશ કરે તે પહેલા જ તેમના પર ફાયરિંગ કરાયું હતું. ઇમર્જન્સી મેડિકલ ઓફિસર તેમને બચાવી શક્યા નહોતા અને પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અમિત પટેલ તેમની પત્ની અને પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા હતા. નડિયાદમાં તેમનું મકાન છે.