વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિન નીમિતે ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. (PTI Photo)

બંધારણ દિવસ નિમિત્તે ગુરુવારે કેવડિયા કોલોની ખાતે યોજાઈ રહેલા કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સ મારફત સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશને આજે વન નેશન, વન ઈલેક્શનની જરુરિયાત છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશમાં દર થોડા મહિને ચૂંટણીઓ થતી હોય છે અને આ બાબત પર મંથન થવુ જોઈએ. હવે આપણે ડિજિટલાઈઝેશન તરફ વળવાની પણ જરુર છે. કાગળનો ઉપયોગ બંધ કરવો પડશે. આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે દેશે કેટલાક લક્ષ્યાંક નક્કી કરવાની જરુર છે.

મોદીએ કહ્યું હતું કે બંધારણના રક્ષણમાં ન્યાયપાલિકાની ભૂમિકા ઘણી મહત્વની છે. 70ના દાયકામાં ઈમર્જન્સી સ્વરુપે બંધારણને તોડવાની કોશીશ થઈ હતી પણ ઉલટાનુ ઈમર્જન્સી બાદ બંધારણીય વ્યવસ્થા વધારે મજબૂત બની હતી. આપણા માટે તે પણ એક શીખવા જેવી બાબત છે.

તેમણે નાગરિકોને પણ અપીલ કરી હતી કે, દરેક નાગરિકે બંધારણને સમજવું જોઈએ અને તેના હિસાબે જ ચાલવુ જોઈએ. વિધાનસભામાં પણ લોકભાગીદારી કેવી રીતે વધે તેના પર ચર્ચા કરવાની જરુર છે. કોરોના કાળમાં લોકોએ બંધારણ પર ભરોસો મુક્યો છે. સંસદમાં પણ ઉલટાનુ વધારે કામ થયુ છે. સાંસદોએ પોતાનો પગાર કાપવા માટે પણ સંમતિ આપી છે. કોરોનાના સમયમાં પણ દેશમાં ચૂંટણીઓ થઈ છે અને નિયમ પ્રમાણે જ સરકારો બની છે તે બંધારણની તાકાત બતાવે છે.

રાષ્ટ્રહિતના મુદ્દા પર રાજકારણ ન કરવાની અપીલ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે રાષ્ટ્રહિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર રાજકારણ રમાય છે ત્યારે તેનું નુકસાન થતું હોય છે. સરદાર સરોવર ડેમ પણ રાજકારણનો શિકાર બન્યો છે. સરદાર પટેલ ક્યારેય ભાજપ કે જનસંઘમાં નહોતા જોડાયા.