ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર 2021ના રોજ અમેરિકાની મુલાકાત માટે રવાના થયા હતા. (PTI Photo) TWITTER IMAGE PROVIDE BY @PMOIndia

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રાનો બુધવારે પ્રારંભ થયો હતો. આ મુલાકાતમાં મોદી સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના 76માં સેશનમાં સંબોધન કરશે તથા ક્વાડા નેતાઓની સમીટમાં ભાગ લેશે. યાત્રા દરમિયાન મોદી વ્હાઇટ હાઉસમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન સાથે 24 સપ્ટેમ્બરે દ્વિપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાન મોદીના કાફલામાં ઉચ્ચસ્તરીય પ્રતિમંડળનો પણ છે, જેમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલનો સમાવેશ થાય છે. મોદીએ જણાવ્યું હતું કે તેમની અમેરિકાની મુલાકાત ભારત-અમેરિકા વચ્ચેની સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની તથા જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોનો ગાઢ બનાવવાની તક છે.

અમેરિકા માટે રવાના થતાં પહેલા આપેલા નિવેદનમાં મોદીએ જણાવ્યું હતું કે તેમની યાત્રામાં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં સંબોધનનો સમાવેશ થાય છે, જેમાં કોરોના મહામારી, ત્રાસવાદી, પર્યાવરણમાં ફેરફાર અને બીજા મહત્ત્વના મુદ્દા સહિતના વૈશ્વિક પડકારો પર ફોકસ કરવામાં આવશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે “અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને આમંત્રણને પગલે હું 22થી 25 સપ્ટેમ્બર 2021 સુધી અમેરિકાની મુલાકાતે જઈ રહ્યો છું. મારી મુલાકાત દરમિયાન હું પ્રેસિડન્ટ બાઇડન સાથે ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરીશ અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા અંગે ચર્ચા કરીશ. સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેના સહકારની તક ચકાસવા હું વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે બેઠક માટે આતુર છું. ”

મોદી અમેરિકામાં ક્વાડ નેતાઓની સમીટમાં પણ ભાગ લેશે. આ બેઠકમાં પ્રેસિડન્ટ બાઇડન, ઓસ્ટ્રેલિયાની વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશીહિડે સુગા પણ સામેલ થશે.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ જણાવ્યું હતું કે મોદી અને બાઇડન વચ્ચેની બેઠકમાં અફઘાનિસ્તાનની તાજેતરની ગતિવિધિની વચ્ટચે પ્રાદેશિક સુરક્ષા પર ફોકસ કરવામાં આવશે. ક્વાડ નેતાઓની સમીટના ભાગરૂપે મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગા સાથે પણ મંત્રણા કરશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં રંગભેદ, પર્યાવરણની કટોકટી અને વિશ્વના દેશો વચ્ચે વધતા વિખવાદના મુદ્દા છવાઈ રહેવાની ધારણા છે. ઉદાસીનતા, રોષ અને ગંભીર સ્થિતિના હાલના વાતાવરણ વચ્ચે  કોરોના મહામારી પછી વિશ્વના આશરે બે ડઝન નેતાઓ વાર્ષિક ઉચ્ચસ્તરીય બેઠકના પ્રથમ દિવસે યુએનની મહાસભામાં એકત્ર થશે.