ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં કુલ ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૩૮.૬૧ ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે ૩૭.૧૬ ટકા સામે આ વર્ષે ૪૪.૩૮ ટકા જળાશયો ભરાયા છે તેમ, ૦૩ જુલાઇની સ્થિતિએ સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૫૫.૧૭ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના ૧૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. ૨૯ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૫૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે.
રાજ્યમાં ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું મુંજીયાસર, ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જુનાગઢનું ઉબેન, હસનપુર, મોટા ગુજેરીયા, રાજકોટનું મોજ, સોદવદર, કચ્છનું કંકાવટી, ગજાનસર, કાલાગોગા અને ડોન, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે.

આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ ૧૫ જળાશયો ૪૮.૭૨ ટકા, મધ્યગુજરાતના ૧૭ જળાશયો ૩૦.૮૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો ૩૫.૩૯ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૫૦.૯૫ ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ-૧૪૧ જળાશયોમાં ૪૭.૧૮ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક ૫૦૦૦થી વધુ કયુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪૩,૦૭૬ કયુસેક, દમણગંગામાં ૬,૮૭૨ અને હિરણ-૨માં ૫,૧૯૯ કયુસેક પાણીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

1 + fourteen =