(Photo by Alex Davidson/Getty Images)

ટેસ્કોએ 16,000 કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કર્યા બાદ હવે બ્રેડફર્ડ સ્થિત રિટેલર ચેઇન મોરિસન્સે હજારો નવા સ્ટાફની ભરતી કરવાની અને ઑનલાઇન ડિલિવરી સેવા અને ઇન-સ્ટોર ક્લીનીંગને વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે. કોરોનાવાયરસ કટોકટીએ યુકેને કરેલી જોરદાર અસર બાદ મોરિસન્સે 45,000 વધારાના સ્ટાફની ભરતી કરી છે.

મોરિસન્સે આ વર્ષની શરૂઆતમાં લગભગ 97,000 કામદારોને કામે રાખ્યા હતા. આશરે 25,000 વધારાના કામદારો હજી મોરિસન્સમાં છે, જેમાંથી 6,000 લોકો પહેલાથી લેવામાં આવ્યા છે અને આવતા અઠવાડિયાઓમાં હજારોને કાયમી બનાવવાની યોજના છે.

રોગચાળાના કારણે વધેલી ઓનલાઇન શોપીંગની માંગને પહોંચી વળવા ટેસ્કોએ રોગચાળા દરમિયાન  ભરતી કરેલા 16,000 સ્ટાફને ઑનલાઇન ગ્રોસરી માટે કાયમી કર્યા હતા. તે જ રીતે એમેઝોને 7,000 કાયમી કર્મચારીઓ અને 20,000 સીઝનલ કામદારોની તેમજ એઓ.કોમ, ડીઆઈવાય ચેઇન કિંગફિશર અને ડિલિવરી કંપનીઓ ડીપીડી અને હર્મેસે પણ સાથે મળીને હોમ ડિલિવરીની માંગને પહોંચી વળવા હજારો કામદારોની નિમણૂક કરી છે.

રોગચાળાના પગલે હોમ ડિલિવરીની માંગ કુલ શોપીંગના 7%  પરથી વધીને 13% થઇ છે.