પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મધ્યપ્રદેશની ભાજપ સરકાર લવ જેહાદ સામે કાયદો ઘડશે. આગામી વિધાનસભા સત્રમાં ખરડો પસાર કરવામાં આવશે અને તેનાથી લવ જેહાદ બિનજામીનપાત્ર ગુનો હશે અને તેમાં પાંચ વર્ષની સજાની જોગવાઇ કરાશે, એમ રાજ્યના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું.
આ પહેલા ઉત્તર પ્રદેશની સરકાર લવ જિહાદની સામે કાયદો ઘડવાની યોજના જાહેર કરી ચુકી છે. મિશ્રાએ કહ્યું કે મધ્યપ્રદેશ ફ્રીડમ ઓફ રિલિજિન બિલ 2020ને વિધાનસભામાં રજુ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં પાંચ વર્ષની આકરી જેલની જોગવાઇ છે.

આ ઉપરાંત લવ જેહાદના ગુનામાં મદદ કરનારને મુખ્ય આરોપની જેમ સજા કરવાની જોગવાઇ છે. જબરદસ્તી લગ્ન માટે ધર્મપરિવર્તન કરનારને પણ સજા કરવાની જોગવાઇ કરવામાં આવશે. જો કોઇ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા માગે છે તો એક મહિના પહેલા કલેક્ટર ઓફિસમાં તેને લઇને અરજી કરવાની રહશે. આ કાયદો પસાર કરવામાં આવ્યા બાદ કોઇ વ્યક્તિને જબરદસ્તીથી કરવામાં આવેલા લગ્ન, અંધારામાં રાખીને કરવામાં આવેલા લગ્ન રદ કરવામાં આવશે.