પરિવારની સાથેઃ રમણિકલાલ સોલંકી અને પત્ની પાર્વતીબેન સોલંકી નીચે (ડાબે) પુત્રો શૈલેશ સોલંકી અને કલ્પેશ સોલંકી સાથે રમણિકલાલ (જમણે) પુત્રીઓ સાધના અને સ્મિતા સાથે રમણિકલાલ સોલંકી

– શૈલેષ રમણિકલાલ સોલંકી

આ એક એવી શ્રદ્ધાંજલિ છે કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે મારે લખવાની આવશે અને મારી એ લખવાની ઈચ્છા પણ સ્હેજે નહોતી. આ સૌથી વધુ કપરી કામગીરીઓમાંની એક છે, જો કે મારા પિતા એવી કામગીરીમાંથી પણ ક્યારેય પાછીપાની કરતા નહીં.મારા ભાઈ કલ્પેશ, બહેન સાધના, સ્વર્ગસ્થ બહેન સ્મિતા તથા મારા માટે, રમણિકલાલ સોલંકી ફક્ત અમારા પિતા નહોતા, તેઓ અમારા મેન્ટોર, મિત્ર અને માર્ગદર્શક પણ હતા. ફક્ત અમારા જીવનમાં જ નહીં, પત્રકારત્વના જગતમાં પણ તેઓ એક વિરાટ હસ્તી હતા.

તેઓ એએમજીના એડિટર-ઈન-ચીફ અને પોતાના કાર્યને સંપૂર્ણપણે વરેલા વ્યક્તિ હતા. તેમણે તેમજ મારા માતુશ્રી પાર્વતીબેને 1968માં ‘ગરવી ગુજરાત’ ન્યૂઝ મેગેઝિનના આરંભ સાથે યુકેમાં એથનિક જર્નાલિઝમના પાયા નાખ્યા હતા. યુકેમાં એ જમાનામાં બહુ થોડા જ ભારતીય લોકોનો વસવાટ હતો તેવા સમયે, કોઈ આર્થિક મૂડી વિના કે ગુજરાતી ભાષામાં અખબાર પ્રકાશિત કરવાની કોઈ ટેકનોલોજી પણ નહોતી ત્યારે તેઓએ આ અખબારની શરૂઆત કરી તે ખરેખર તમામ મુશ્કેલીઓ સામે પણ સફળતાની એક ઐતિહાસિક ગાથાથી કઈં ઓછું નહોતું.

‘ગરવી ગુજરાત’ એમનું જ ફરજંદ હતું, ખરા અર્થમાં કહીએ તો તેમનું પાંચમું સંતાન હતું અને તેમણે એનું જતન, સંવર્ધન કરીને ભારતની બહાર સૌથી વધુ વેચાતુ ગુજરાતી પ્રકાશન બનાવ્યું હતું. એ જમાનામાં મારા માતા-પિતાએ તેની શરૂઆત કરી ત્યારે બ્લેક એન્ડ વાઈટ, સાઈક્લોસ્ટાઈલ કરેલી એક ન્યૂઝશીટ સ્વરૂપેનું એ અખબાર, જેની શરૂઆત નોર્થ લંડનમાં વેમ્બ્લી વિસ્તારમાં આવેલા અમારા ઘરના ફ્રન્ટરૂમમાંથી થઈ હતી, તે આજે તો યુકે અને અમેરિકા, એમ બે એડિશન ધરાવતું અને સમગ્ર વિશ્વમાં વંચાતું અખબાર બની ચૂક્યું છે.

‘ગરવી ગુજરાત’ એમના માટે ગૌરવ અને આનંદની વાત હતું, શબ્દો ઉપરનું એમનું સ્વામીત્વ અખબારની અપ્રતીમ સફળતાનું મુખ્ય કારણ હતું, તેના કારણે જ સમગ્ર વિશ્વમાં તેમનો એક આગવો, વફાદાર વાચકવર્ગ ઉભો થયો હતો.  એક લેખક તરીકે તેઓ જાણે ક્યારેય વિરામ લેતા નહોતા અને રચનાત્મકતામાં તો તેઓ એક જીનિયસ હતા. સમાચારો હવામાં લહેરાતા હોય તો પણ એને પકડી લેવાનું એક જબરજસ્ત એન્ટેના જાણે કે એમની પાસે હતું. તેઓ અવારનવાર અમને કહેતા કે તમારી પાસે ‘નોઝ ફોર ન્યૂઝ’ (સમાચારોને સુંઘીને પકડી પાડે તેવું નાક – સમાચારો પારખવાની એક આગવી કલા) હોવું જોઈએ અને તેમની પાસે તો એવું જબરજસ્ત નાક હતું.

તેઓ સમાચારોની અને વાચકોની નાડ પારખી જાણતા હતા, તેને એ રીતે માવજત કરી રજૂ કરતા વાચકો તેના તરફ ખેંચાયા વિના રહે જ નહીં.તેમના મતે તો પત્રકારત્ત્વ એટલે એવી કળા કે જેમાં તમે તદ્દન સાદી ભાષાનો ઉપયોગ કરી ખૂબજ સંકુલ – ગૂંચવાડા ભરેલા વિષયોને પણ એવી સરળ, સહજ રીતે વાંચી શકાય તેવી અને આસાનીથી સમજી શકાય તેવી રીતે વાતની પ્રસ્તુતી કરવી. 1970ના દાયકામાં તેમણે પોતાની કોલમમાં નવા અને આકરા ઈમિગ્રેશન કાયદાઓની એવી સરસ રીતે છણાવટ કરી હતી કે, તેના આધારે હજ્જારો એશિયન લોકો યુકેમાં કાયમી વસવાટ કરી શક્યા હતા. તેમના વાચકો ક્યારેક તેમને ફોન કરતા તો તેમની સમસ્યાઓ વિષે સાંભળી, જાણી તેમને અંગત રીતે પણ સલાહ આપવાનો સમય તેઓ અચૂક કાઢી લેતા.

તેમનું પત્રકારિત્વ અનેક લોકોના જીવનને સ્પર્શી ગયુ હતું. અન્યાય તથા અન્યાયી કાયદાઓ સામેની તેમની કેમ્પેઈન્સ તથા ઈન્વેસ્ટીગેશન્સની બ્રિટિશ એશિયન સમુદાયના જીવન ઉપર એક ગહન અને સકારાત્મક અસર હતી. તેઓ એ સમુદાયનો અવાજ હતા અને ખૂબજ બુલંદ રીતે તે અવાજ તેમણે સર્વોચ્ચ સ્તરે પહોંચાડ્યો હતો. યુગાન્ડા છોડી આવેલા એશિયન્સને યુકેમાં સ્થાયી થવામાં મદદરૂપ થવાથી લઈને એશિયન મહિલાઓ – યુવતીઓ પોતાના પતિ સાથે યુકેમાં સ્થાયી થવા ઈચ્છતી હોય ત્યારે ખૂબજ વખોડવા લાયક એવા, એ મહિલાઓનું કૌમાર્ય પરિક્ષણ કરવાના બ્રિટિશ સરકારના નિયમ સામેના ઉગ્ર વિરોધ તેમજ બ્રિટિશ સમાજમાં તમામ સ્તરે રેસિઝમ અને ભેદભાવ સામે લડત સુધીના મારા પિતાના સાહસિક, નિર્ભિક પત્રકારિત્વે બ્રિટનને એક વધુ ન્યાયી અને સમાનતાયુક્ત સમાજ બનાવવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

આ માર્ગે આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે પણ, તેમના પત્રકારિત્વના સહારે આ દિશામાં આપણે ખાસ્સુ અંતર કાપ્યું પણ છે. એક અસાધારણ રીતે સ્વતંત્ર વિચારસરણીના તંત્રી, તેઓ કોઈ રાજકીય પક્ષ, હિતોકે કારોબાર પ્રત્યે આકર્ષિત કે સમર્પિત નહોતા. અમે ઓળખીએ છીએ એવા સૌથી હિંમતવાન લોકોમાંના એક તેઓ હતા. એક મક્કમ અભિગમ અપનાવવામાં તેઓ ક્યારેય ખચકાતા નહીં, ત્રાસવાદ કે અંતિમવાદને તેના તમામ સ્વરૂપે પડકારતા તંત્રીલેખો અને 1971માં રૂકૈયાબીબી હત્યા કેસ ઉકેલવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને પણ આગળ વધવું તેના પુરાવા છે.

એ કેસની કડીઓ ઉકેલવામાં તેમની ભૂમિકા બદલ તેમને વતન ઈન્ડિયામાં ગુજરાતમાં વર્ષના શ્રેષ્ઠ રીપોર્ટરનો એવોર્ડ મળ્યો હતો, તો મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશનર દ્વારા સન્માનપત્ર પણ એનાયત કરાયું હતું. અમે ભાઈઓ – બહેનો અવારનવાર એ વિચારતા કે તેમનામાં આટલી શક્તિ આવે છે ક્યાંથી? પરમ કૃપાળુ પરમાત્મામાં તેમની અપાર શ્રદ્ધા જ આ શક્તિનો સ્ત્રોત હતી. તેઓ અત્યંત ધાર્મિક વૃત્તિના માણસ હતા અને પોતાનું ભાવિ તેમણે પ્રભુના હાથમાં સોંપી દીધું હતું.  તેઓ અમને કહેતા, “તમે શુદ્ધ દિલથી કામ કરો, તો ભગવાન હંમેશા તમારી સાથે જ રહે છે.”

તેમના કાર્યોમાં ધર્મની ઘણી મોટી ભૂમિકા રહી છે. ભારતથી આવતા સંતો સેન્ટ્રલ લંડનમાં ‘ગરવી ગુજરાત’ હાઉસની તેમજ અમારા ઘરની પણ અવારનવાર મુલાકાત લેતા અને તેમની સાથેનો આ ઘરોબો પિતાને ખૂબજ જ ગમતો.પરમ પૂજ્ય શ્રી ચિદાનંદ સરસ્વતીજી, પરમ પૂજ્ય શ્રી સત્યમિત્રાનંદ ગિરિજી તથા પ.પૂ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ સાથે તો તેમનો એક વિશેષ નાતો હતો, પ.પૂ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ તો અનેકવાર ગરવી ગુજરાતના કવર પેજ ઉપર પણ ચમકી ચૂક્યા છે. પ.પૂ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ અવારનવાર મારા પિતાશ્રીને હૃદયપૂર્વક આશિર્વાદ આપતા અને તેઓ દરેક વખતે એને પોતાનું અહોભાગ્ય માનતા.

તેમની પાસે ભૌતિક સંપતિ બહુ થોડી જ હતી અને સોનુ તો એમણે ક્યારેય અંગ ઉપર ધારણ કર્યું જ નહોતું, સુવર્ણનો ત્યાગ તેમણે ભારત માતા માટે કર્યો હતો. યુકે ખાતેના તત્કાલિન ભારતીય હાઈ કમિશનર, ડો. જીવરાજ મહેતાએ 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ફંડ માટે અપીલ કરી હતી ત્યારે મારા પિતાશ્રીએ તુરત જ પોતાની લગ્નની રીંગ આપી દીધી હતી અને એવું વ્રત લીધું હતું કે, હવે પછી તેઓ ક્યારેય સોનુ પહેરશે નહીં. અને એ વચનનું તેમણે જીવનભર પાલન પણ કર્યું હતું.

તંત્રી તરીકે તેઓ ખૂબજ આકરો સંપાદકીય અભિગમ અપનાવતા, છતાં અંગત રીતે તેઓ સાહિત્યપ્રેમી હતા અને શબ્દોની તાકાત પ્રત્યે તેમને પ્રેમ હતો. અનેક મહાન કવિઓની ભવ્યતાના તેઓ દિવાના હતા. દર અઠવાડિયે તેઓ મેગેઝિનમાં સુભાષિતની કોલમ લખતા અને તેમાંથી નિતરતી તેમની રચનાત્મકતા, કવિતાઓ અને કહેવતોમાંથી ટપકતી રોજીંદા જીવનની ગહન ફિલસુફીના કારણે તેમની કલમના વિશ્વભરમાં અનેક લોકો ચાહક બની ગયા હતા, તો અનેક લોકો તો એ કોલમના કટીંગ કાપીને સાચવી રાખતા.

ગુજરાતીના કેટલાય નામાંકિત લેખકો, કવિઓ તેમના ગાઢ મિત્રો હતા અને અવારનવાર તેઓ ઉનાળામાં લંડન આવતા ત્યારે અમને મહેમાનગતિની તક આપતા. અમારા ઘરના નાનકડા ગાર્ડનમાં એક ઘટાદાર વૃક્ષની નીચે ઉમાશંકર જોશી, હરિન્દ્ર દવે, નિરંજન ભગત અને સુરેશ દલાલ જેવા મોટા ગજાના સાહિત્યકારો બેઠા હોય અને મારા પિતા તેમની હાજરીમાં કાવ્યપઠન કરતા હોય એ સંસ્મરણો તો અમારા માટે પણ અમૂલ્ય છે. તેમની દિનચર્યા તો ખૂબજ કઠોર હતી, તેઓ નિયમિત રીતે સવારે પાંચ વાગ્યે જાગી જતા અને અનેક દિવસોએ તેઓ મોડી સાંજ કે રાત સુધી સમાચારો મઠારતા, તેની ભાષા અને વ્યાકરણ સુધારતા કે પછી મથાળામાં ફેરફારો કરતા. જો કે, તેમને એ ક્યારેય કઠોર લાગી નહોતી. અમે તેમને થોડું ધીરજથી, ધીમેથી કામ કરવા કહેતા ત્યારે તેમનો જવાબ રહેતો કે, “કાર્ય એ જ પૂજા છે”. તેઓ દિવસમાં ક્યારેય એક પળ માટે પણ નવરા રહેતા નહીં, તેમના હાથમાં હંમેશા પેન હોય, અખબાર હોય કે પછી પુસ્તક હોય અને તેમના પ્રિય વાચકો જ હંમેશા જ તેમના મનોમસ્તિષ્કમાં છવાયેલા રહેતા.

તેઓ માનતા કે પોતાના વાચકો પ્રત્યે તેમની એક ફરજ છે અને નેતા કે વક્તા બનીને વર્ચસ્વ જમાવવાના બદલે તેમને હંમેશા પોતાનું પત્રકારિત્ત્વ જ પરિપૂર્ણ બની રહે તેવી ખેવના હતી. તેઓ તો તંત્રીના ય તંત્રી હતા, અખબાર પ્રિન્ટિંગમાં જાય તેની છેલ્લી પળો સુધી સમાચારો ઉપર નજર રાખવાની ધગશ સાથે તેઓ હાડોહાડ એક પરફેક્શનિસ્ટ હતા. તેઓ એકસમાન સહજતાથી પ્રાઈમ મિનિસ્ટર્સને, ફિલ્મ સ્ટાર્સને, સીઈઓને કે પછી સામાન્ય વાચકોને મળતા. કોમ્યુનિટી ઈવેન્ટ્સ વખતે વાચકોને મળવાનું થાય અને વાચકો તેમના અખબાર વિષે કોમેન્ટ કરે તેનાથી વધારે આનંદ તેમના માટે બીજો કોઈ નહોતો.

બ્રિટિશ એશિયન સમુદાયે પ્રગતિ સાધી અને અહીંના સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કાઠુ કાઢ્યું ત્યારે તેમને જાણે અગાઉથી જ અંદાજ હોય તે રીતે વિવિધ ક્ષેત્રો માટે અલગ અલગ પ્રકાશનો – ટાઈટલ્સ લોંચ કર્યા હતા, જેનો ધ્યેય આ નવી ધંધાકિય ક્ષિતિજોએ ચમકવા મથતા ઉગતા સિતારાઓને સમર્થન, માર્ગદર્શન આપવાનો હતો. એશિયન ટ્રેડર, ફાર્મસી બિઝનેસ અને એશિયન હોસ્પિટાલિટી આ નવા ક્ષેત્રોમાં પોતે પણ મહત્ત્વના પ્રકાશનો બની રહ્યા.

એશિયન સમુદાયની સફળતાની નોંધ લેવા, ઉજવણી કરવા અને તેને બિરદાવવા તેઓએ એવા સમયે નવી નવી સ્પેશિયલ ઈવેન્ટ્સનું આયોજન શરૂ કર્યું હતું કે જ્યારે એ વાત સાવ જ નવી ગણાતી હતી, અગાઉ એવું કોઈએ વિચાર્યું નહોતું કે તેના ઉપર અમલ કર્યો નહોતો. એમણે 1989માં એશિયન ટ્રેડર એવોર્ડ્ઝ, 1999માં જીજીટુ લીડરશિપ એવોર્ડ્ઝ તથા 2000માં ફાર્મસી બિઝનેસ એવોર્ડ્ઝનો આરંભ થયો હતો. એ પછી તો આ પ્રકારની ઈવેન્ટ્સની એક પરંપરા ઉભી થઈ ગઈ હતી, પણ તેના પ્રણેતા તરીકે મૂળ પરિકલ્પના તેમની રહી હતી, જેની નકલ થઈ હતી, પણ અસ્સલ તેની જેમ બીજે તે મૂર્તિમંત થઈ શક્યા નહીં.

નવી માર્કેટ્સ ઈજન આપતી રહી અને 1992માં ‘ગરવી ગુજરાત’ની અમેરિકા આવૃત્તિનો આરંભ નોર્થ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયના લાભાર્થે કરાયો હતો.આજે એએમજીના પ્રિન્ટ ટાઈટલ્સ, વેબસાઈટ્સ તથા ડિજિટલ એસેટ્સ દર મહિને બે મિલિયન વાચકો સુધી પહોંચે છે.  અને આટલી બધી સફળતા હાંસલ થયા પછી પણ તેઓ તો એક સાદગીપૂર્ણ, સરળ વ્યક્તિ જ રહ્યા હતા. તેમણે પોતાની અનેક નોંધપાત્ર સિદ્ધિઓ માટે પણ ક્યારેય પોતે શ્રેયનો દાવો કર્યો નહોતો અને હંમેશા પોતાના કાર્યને ફરજ તરીકે જ નિહાળતા હતા. એક સિદ્ધહસ્ત પત્રકારની પાછળ એક સંપૂર્ણપણે પારિવારિક પુરૂષનું વ્યક્તિત્ત્વ હતું.

તેઓ સૌથી વધુ તો તેમના પત્ની પાર્વતીને ચાહતા હતા, જેમની સાથે તેમણે જીવનયાત્રાના, લગ્ન જીવનના 64 વર્ષ વિતાવ્યા હતા. મારા માતા-પિતાએ પરસ્પરના સહયોગથી એક એવા મીડિયા એમ્પાયરનું સર્જન, સંવર્ધન કર્યું છે કે, જે આગળ વધીને યુકેનું સૌથી મોટું એશિયન પ્રકાશન ગૃહ બની રહ્યું છે. એ બન્નેના સંબંધો તો ઘણા ગાઢ હતા. તેઓ બન્ને એકબીજા પ્રત્યે અતૂટ, પ્રગાઢ પ્રેમ ધરાવતા હતા, બન્ને અવિભાજ્ય હતા. મારા પિતા લગભગ દરરોજ લેખન માટે વહેલા ઉઠે, ત્યારે માતા માટે સ્પેશિયલ મસાલા ચા બનાવે અને બન્ને સાથે પીએ. આ તેમનો અતૂટ નિત્યક્રમ હતો. તેઓ ખૂબજ રોમેન્ટીક પણ હતા અને અવારનવાર માતાને સરપ્રાઈઝ ગીફટ આપતા. તેઓ લગભગ ક્યારેય કોઈનો જન્મદિવસ કે એનિવર્સરી ભૂલ્યા નહોતા.

તેઓ સંપૂર્ણપણે એક પરિવાર-પરાયણ વ્યક્તિ હતા. તેમનો પ્રેમ અનંત અને નિસ્વાર્થ હતો. તેમણે પોતાના પરિવાર અને વિસ્તૃત પરિવારને એક ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે ઘણો ભોગ આપ્યો હતો. તેઓએ પોતાના જીવન અને શાણપણ દ્વારા અમને પ્રોત્સાહન તો આપ્યું જ હતું, સાથોસાથ અમને બધા ભાઈઓ-બહેનોને તેમજ અમારા સંતાનોને પણ મનાવી – પટાવીને કે પછી પ્રેરિત કરીને દરેકને પોતાની પૂર્ણ ક્ષમતાઓ મુજબ કઈંક હાંસલ કરવા ઉત્સાહિત કર્યા હતા. 1994માં મારા બહેન સ્મિતા કમનસીબે લ્યુકેમીઆના કારણે મૃત્યુ પામ્યા, ત્યારે તે એક મોટો આઘાત, મોટી ખોટ પડી હતી, જેની તેમના ઉપર કાયમી અસર રહી હતી. અને છતાં પરિવારજનો માટે થઈને તેઓ મજબૂત રહ્યા હતા, તેમની આ શક્તિ તેમજ ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધાના કારણે અમે બધા જ એ આઘાતમાંથી બહાર આવી શક્યા હતા.

અને તેમના માટે તો 11 પૌત્ર-પૌત્રીઓ-દોહિત્ર-દોહિત્રીનો વિસ્તૃત પરિવાર પણ હતો, જે તેમના પોતાના સંતાનોની મૂડીના વ્યાજ હતા. તેમને તો એ બધા જ ગમતા, બધાને જ વહાલા હતા અને તેઓ એ વાતની કાળજી રાખતા કે દરેકને એવું લાગે કે પોતે દાદા-નાના માટે ખાસ હતા. આ બધા અભ્યાસમાં આગળ વધીને યુનિવર્સિટીમાં ગયા અને ત્યાં પણ સફળ થયા, એ પછી કારકિર્દીમાં પણ પ્રગતિ કરી તે એમના માટે ગૌરવની વાત હતી.

તેમણે પોતાના વિસ્તૃત પરિવારને હંમેશા એવું કહ્યું હતું કે, તેમને જેમાં આનંદ આવતો હોય, જે તેમને ગમતું હોય તેવા ક્ષેત્રોમાં જ આગળ વધવું, તો સાથોસાથ સમાજમાં ઓછા નસીબદાર હોય તેવા લોકો, તેવા બાળકોને પણ તેઓ ભૂલ્યા નહોતા. મારી બહેન સાધના, કલ્પેશ અને મારા માટે તેઓ એક પ્રેમાળ પિતા, અમારા હીરો, અમારા ધ્રુવ તારા હતા. આવા સાદગીપૂર્ણ, નિસ્વાર્થ હૃદયી વ્યક્તિ અમારા પિતા હતા તે અમારા માટે તો એક મોટા આશિર્વાદ હતા, કારણ કે તેમણે હંમેશા બીજાનું ભલુ પહેલા ઈચ્છયું હતું, કર્યું હતું.

તેમની સૌથી વધુ ગમતી કહેવાતોમાંની એક હતી 15મી સદીના મહાન ભારતીય કવિ, સંત કબિરની કૃતિ. કબિરવાણી જો કે તેમની સાપ્તાહિક શુભાષિતની કોલમ માટેનો એક અખૂટ સ્ત્રોત હતી. કબિરની એ કૃતિમાં તેઓ જે રીતે પોતાનું જીવન જીવ્યા અને બીજા અનેક લોકોના હૃદયને પણ સ્પર્શી ગયા તેનો નિચોડ સમાયેલો છે.તે કહેવતનો ભાવાર્થ એવો છે કે આપણો જન્મ થાય છે ત્યારે આપણે રડીએ છીએ, બાકીની દુનિયા હસતી હોય છે. પણ માનવીએ જીવન એવું જીવવું જોઈએ કે તેનું મૃત્યુ થાય ત્યારે દુનિયા રડે અને તે હસતો હોય.