નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને ગુજરાતીઝ ઇન યુકે દ્વારા 21 જૂન 2021ને સોમવારે સાઉથ લંડનના ટૂટીંગ સ્થિત NAPS પાટીદાર સમાજ હોલ ખાતે 7 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માટે કોવિડ ગાઇડલાઇન અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરાયું હતું. દીપ પ્રાગટ્ય NAPSના પ્રમુખ પ્રવિણભાઇ અમીન, કારોબારી સમિતિના સભ્યો, ભારતીબેન, પ્રમિલાબેન, જનકબેન, બિંદુબેન, વિકુંતલાબેન અને યોગ શિક્ષક ભાનુબેન પારેખે કર્યું હતું અને બહેનોએ પ્રાર્થના રજૂ કરી હતી. પ્રવિણભાઇ અમીને સ્વાગત પ્રવચન કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે માહિતી આપી કોવિડ રોગચાળા માટે સાવચેતી રાખવાની યાદ અપાવી હતી.
યોગ શિક્ષક ભાનુબેન પારેખે યોગ, સૂર્યનમસ્કાર તેમજ આસનો અંગે તથા પૂર્ણીમાબેને એક્યુપ્રેશરના મહત્વ અંગે માહિતી આપી હતી. સુનંદાબેને ખુરશીમાં બેસી કઇ રીતે કસરત કરી શકાય તેનું ઝૂમ દ્વારા નિદર્શન કર્યું હતું.