કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે (ફાઇલ ફોટો (Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

મોદી સરકારના કેબિનેટ પ્રધાન નારાયણ રાણેની મહારાષ્ટ્રમાં ધરપકડ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના નિવેદન બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની મંગળવારે ધરપકડ થઈ હતી. રત્નાગિરિ કોર્ટમાંથી આગોતરા જામીન ફગાવવામાં આવ્યા પછી બોમ્બે હાઈકોર્ટે પણ તેમને કોઈ રાહત ન આપતાં પોલીસે નારાયણ રાણેની ધરપકડ કરી હતી.

રાણે મોદી સરકારમાં લઘુ નાના અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન છે. છેલ્લાં 20 વર્ષમાં કેન્દ્રીય પ્રધાનની ધરપકડ થઈ હોય તેવું પ્રથમ વાર બન્યું છે. થોડો સમય સંગમેશ્વર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા પછી તેમને મહાડ લઈ જવામાં આવ્યા છે. મહાડમાં પણ તેમની વિરુદ્ધ એક કેસ નોંધાયો છે. બીજી તરફ રાણેની ધરપકડના સમાચાર મળતા જ તેમના સમર્થકોએ મુંબઈ ગોવાના જુના હાઈવેને જામ કરી દીધો છે. બીજી તરફ, શિવસૈનિકોએ મંગળવારે મહારાષ્ટ્રનાં 17 શહેરમાં તેમની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. નાશિકમાં BJP કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

ભાજપની જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાણેએ કહ્યું હતું કે, ઉધ્ધવ ઠાકરે એ પણ ભુલી ગયા છે કે દેશ ક્યારે આઝાદ થયો હતો. આ માટે તેમણે પોતાના સહયોગીને પૂછવું પડ્યું હતું. આ શરમજનક છે કે, એક મુખ્યપ્રધાનને નથી ખબર કે દેશ આઝાદ થયે કેટલા વર્ષ થયા. હું જો ત્યાં હોત તો તેમને જોરદાર થપ્પડ મારત.