પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં ગુરુવાર, 2 સપ્ટેમ્બરથી શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે, એમ રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાએ બુધવારે જણાવ્યું હતું. કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થતાં રાજ્ય સરકાર તબક્કાવાર ધોરણે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય ચાલુ કરી છે. અત્યાર સુધી ધોરણ 9થી 12 સુધીના અને કોલેજના કલાસ ચાલુ થયા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રહેશે, તેમજ 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જાળવવાનું રહેશે. ધોરણ છથી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ આગામી ગુરુવારથી સ્કૂલે આવવાનું શરુ કરશે. જોકે, શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી અને ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે.

મંગળવારે થયેલા શિક્ષકોના સજ્જતા સર્વેક્ષણમાં હાજર રહેલા 38 ટકા શિક્ષકોનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે, આ સર્વેક્ષણ ફરજિયાત નથી તેવું સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં થનારા આ પ્રકારના સર્વેક્ષણમાં વધુમાં વધુ શિક્ષકો જોડાય તે માટે સરકાર પ્રયાસો કરશે. સ્કૂલોની ફીમાં ઘટાડો કરવા બાબતે ચુડાસમાએ જણાવ્યું હતું કે વાલીઓએ આ અંગે હાઈકોર્ટમાં પિટિશન કરી છે, જેનો અભ્યાસ કર્યા બાદ સરકાર આ અંગે આગળની કાર્યવાહી કરશે.

રાજ્યમાં ચોમાસું નબળું રહ્યું હોવાની વચ્ચે પાણીની તંગી સર્જાઈ હોવા અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. તેની જાણકારી આપતા ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં પીવાના પાણીની કોઈ તકલીફ ના પડે તે માટે સરકાર આગોતરું આયોજન કરી રહી છે. આ સીઝનમાં 93 ટકા જેટલી જમીન પર વાવેતર થઈ ગયું છે ત્યારે ખેડૂતોને પાણી અપાશે કે કેમ તે અંગે ચુડાસમાએ જણાવ્યું હતું કે પીવાના પાણીનો સ્ટોક રાખીને સરકાર ખેડૂતોને સિંચાઈ માટે કઈ રીતે પાણી પૂરું પાડશે તેની જાહેરાત તાજેતરમાં જ ડેપ્યુટી મુખ્યપ્રધાન કરી ચૂક્યા છે