જાણીતા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થઇ રહ્યો છે. તેઓ ભારતમાં નવા વેલ્થ મેગ્નેટ તરીકે પ્રસ્થાપિત થઇ રહ્યા છે. ગૌતમ અદાણી આ વર્ષે ધનિક ભારતીયોમાં સર્વાધિક સંપત્તિ વધારવામાં સફળ થયા છે. આ મામલે તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીથી પણ આગળ થઇ ગયા છે. જોકે કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂઆતના સાડા દસ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ 19.1 બિલિયન ડોલર વધી છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 16.4 બિલિયન ડોલર વધી છે. એટલે કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ રૂ. 385 કરોડની વૃદ્ધિ થઇ. બ્લૂમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. આ મુદ્દે તેમણે વિશ્વના બીજા- બિલ ગેટ્સ, સાતમા-લેરી પેજ અને નવમા-સ્ટીવ બાલ્મર જેવા બિલિયોનેરને પણ પાછળ રાખ્યા છે.
અત્યારે અદાણીની કુલ સંપત્તિ 30.4 બિલિયન ડોલર છે. તેઓ ઇન્ડેક્સમાં 40મા ક્રમે છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ રૂ. 1.21 લાખ કરોડની વૃદ્ધિ સાથે 75 બિલિયન ડોલર થઇ ગઇ છે. ઇન્ડેક્સમાં તેઓ વિશ્વના 10મી સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ટેસ્લાના ઇલોન મસ્કની વધી છે. તેમની સંપત્તિ 95 બિલિયન ડોલર વધીને 123 બિલિયન ડોલર થઇ છે. ઇન્ડેક્સમાં એમેઝોનના જેફ બેઝોસ 184 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. ઉલ્લેખનીય છે કે અદાણીએ 1988માં 32 વર્ષની ઉંમરે કોમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી. અદાણીની સંપત્તિ તેમની ચાર કંપનીના શેરમાં જોરદાર વધારાને કારણે વધી છે. આ શેરમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે. અદાણી ગ્રીનનો શેર 2020માં 1049 ટકા વધી ચૂક્યો છે. અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર 103 ટકા અને 85 ટકાની ઊંચાઈને પહોંચ્યા છે. ટ્રાન્સમિશન અને પોર્ટ્સ અનુક્રમે 38 ટકા અને 4 ટકા વધ્યા છે. જોકે અદાણી પાવરમાં 38 ટકાનો ઘટાડો નોંધાયો છે.