પ્રતિક તસવીર : PTI Photo

મોટાભાગના લોકોએ “સામાજિક અંતરનું પાલન ન કરતા” નોર્થ ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં કોરોનાવાયરસના કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થયા બાદ ત્યાં વધારાના લોકડાઉન પ્રતિબંધો લાદવામાં આવશે અને તા. 30ની મધ્યરાત્રિથી ગ્રેટર માન્ચેસ્ટર, ડાર્વેન, બર્નલી, હાઇન્ડબર્ન, પેન્ડલ, રોઝેન્ડેલ, બ્રેડફર્ડ, કેલ્ડરડેલ, કિર્કલીઝ, લેસ્ટર અને બ્લેકબર્નના કેટલાક ભાગોમાં જુદા જુદા ઘરના લોકોને ઘરની અંદર એક બીજાને નહિં મળવાના આદેશ આપવામાં આવ્યા છે તેવી હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જાહેરાત કરી હતી.

મુસ્લિમોના પર્વ ઇદ અલ-અધાની ઉજવણીના આગલા જ દિવસે લાખો ઘરોને આવરી લેતા મોટા ભૌગોલિક ક્ષેત્રમાં વધુ લોકડાઉન પગલા લાગુ કરવાના આદેશો સ્થિતીની ગંભીરતા બતાવે છે. જો કે આ  નિયંત્રણો લાગુ કરવા બાબતે વ્યાપક મૂંઝવણ થઈ હતી અને લેબર અને કન્ઝર્વેટિવ સાંસદો દ્વારા કાર્યવાહીની ટીકા કરવામાં આવી હતી.

લેબર નેતા, કેર સ્ટારમરે જણાવ્યું હતું કે, “ટ્વિટર પર મોડી રાત્રે” લોકડાઉન પગલાની ઘોષણા કરવી એ “આ કટોકટી દરમિયાન સરકારના સંદેશાવ્યવહાર માટેની એક નવી નીચી સપાટી” હતી. સરકાર કાર્યરત ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમમાં નિષ્ફળ ગઈ છે, જે આવા સ્થાનિક ફ્લેર-અપ્સને શોધી શકે છે. ગ્રેટર માન્ચેસ્ટરના લોકોને હવે સરકારની તાત્કાલિક સ્પષ્ટતાની જરૂર છે અને લોકડાઉનથી પ્રભાવિત બિઝનેસીસ અને લોકોને યોગ્ય ટેકાની જરૂર છે.”

લેબર શેડો હેલ્થ મિનીસ્ટર જોનાથન એશ્વર્થે કહ્યું હતું કે ‘’મેં આ માર્ગદર્શન પૂર્ણરૂપે જોયું નથી, પરંતુ મારી સમજ પ્રમાણે “પબ, રેસ્ટોરન્ટ્સ અને હેરડ્રેસર ફરીથી ખોલાશે, પરંતુ જીમ, લેઝર સેન્ટર, સ્વિમિંગ પુલ નહીં. કોઈ પણ ઘરના લોકો પોતાના બબલ સિવાય બીજામાં ભળી શકશે નહિં કે બીજાના ઘરે રાત રહી શકશે નહી કે તેમના ઘરના બગીચામાં મળી શકશે નહિ.”

લેબરના શેડો સેક્રેટરી અને વિગનનાં સાંસદ લિસા નાન્દીએ જણાવ્યું હતું કે ‘’મને કહેવામાં આવ્યું છે કે આ માર્ગદર્શન ઘર અને બગીચાઓને લાગુ પડે છે, પરંતુ તેમને હજી પણ જ્યાં સામાજિક અંતરના પગલાં છે ત્યાં જાહેર સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી છે.”

સ્થાનિક 19 કાઉન્સિલમાંથી અસરગ્રસ્ત 13ના વિસ્તારમાં તા. 27 જુલાઈ સુધીના સાત દિવસમાં કોવિડ-19નો દર વધ્યો છે અને કુલ 1,536 કેસ નોંધાયા છે. પોલીસને ઘરો અથવા બગીચાઓમાં લોકોને મળતા અટકાવવા માટે પોલીસ દળોને નિયંત્રણો લાગુ કરવાની સત્તા આપવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોના પરિવારોને પબ અને બારમાં જવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ બે ઘરના લોકો સાથે જઇ શકશે નહિ.

સરકારે જાહેરાત કરી છે કે લેસ્ટરમાં સંપૂર્ણ સ્થાનિક લોકડાઉન અંશત: હટાવાશે, જેનાથી રેસ્ટોરાં, બાર, સિનેમાઘરો, મ્યુઝીયમ અને હેરડ્રેસર્સને સોમવાર તા. 3થી ફરી ખોલવા અને ધાર્મિક કાર્યક્રમો યોજવા માટે પરવાનગી આપશે. જોકે, શહેરમાં લેઝર સેન્ટર, જીમ અને પૂલ બંધ રહેશે.

ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહમે આ ઘોષણાને આવકારતાં કહ્યું હતું કે ‘’આ અઠવાડિયે ગ્રેટર માન્ચેસ્ટરમાં 10માંથી 9 બરોમાં કેસ વધી ગયા છે. રોશડેલ બરોમાં કેસ ઘટ્યા હતા પણ દર હજુ પણ ઘણો ઉંચો હતો.

બ્લેકબર્ન સાથે દાર્વેન અને ઓલ્ડહામમાં ઇદ અલ-અદાની ઉજવણી ન કરવા અને મુલાકાતીઓને મંજૂરી ન આપવા કહેવામાં આવ્યું હતું. તાજેતરના મોટાભાગના કિસ્સાઓ પાકિસ્તાની અને બાંગ્લાદેશી સમુદાયોમાં નોંધાયા હતા અને મુખ્યત્વે દર્દીઓ 20થી 40 વર્ષની વયના છે.