modi twitter page

લંડન ખાતેનાં BAPS સ્વામિનારાયણ મંદિર, નિસડનની રજત જયંતી છે. આ ‘નિસડન મંદિર’ની રજત જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરની મુલાકાતનાં પોતાનાં સંસ્મરણોને ટ્વિટના માધ્યમે ગુરુવારે વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ‘નિસડન મંદિરની રજત જયંતી ઉજવાઈ રહી છે. આ મંદિર અનેક સામુદાયિક સેવા ક્ષેત્રે સૌથી આગળ રહ્યું છે. આ મંદિરે સૌને સાથે જોડ્યા છે અને સૌને માનવતા માટે કાર્ય કરવા પ્રેરિત કર્યા છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને આ મંદિરમાં જવાનું સન્માન પ્રાપ્ત થયું હતું.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટ બાદ ટ્વિટર પર પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો હતો કે માનનીય વડાપ્રધાન મોદીજી આજના દિવસે અમને યાદ કરવા બદલ આપનો આભાર. આ અંગે વિગતો આપતા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત, પૂજ્ય બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પોતાના વર્ષ-૨૦૦૩ની મુલાકાતનાં સંસ્મરણોને ટ્વિટરના માધ્યમે વ્યક્ત કરીને વિશ્વપટલ ઉપર આ મંદિરના રજત જયંતી પર્વને લઈ ગયા છે.

એ સમયે મંદિરના મહંત અને સદ્‌ગુરુ સંતવર્ય પૂજ્ય આત્મસ્વરૂપદાસજી સ્વામીએ તેઓને સંપૂર્ણ મંદિર અને તેની વિશેષતાઓથી વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીને માહિતગાર કર્યા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આ મંદિરની રજત જયંતી નિમિત્તે વિશ્વભરમાંથી કોરોના મહામારીમાંથી સૌને ઝડપથી મુક્તિ મળે તે માટે પણ પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું કે અનેક વિશેષતાઓ ધરાવતા આ નિઝડન મંદિરને વર્ષ-૨૦૦૦માં ગિનિઝ બુક વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત થયું.