જર્મની અને ફ્રાન્સમાં કોરોનાના કેસ વધતા ફરીથી ડરનો માહોલ ઊભો થયો છે. જર્મનીમાં સતત ત્રણ દિવસથી અને ફ્રાન્સમાં સતત બે દિવસથી કોરોનાના કેસો વધી રહ્યા છે. જર્મનીમાં એક જ દિવસમાં 50 હજારથી વધુ લોકો પોઝિટિવ થયા હતા અને 235 લોકોના મોત થયા હતા. બીજી તરફ ફ્રાન્સમાં પણ કોરોનાની પાંચમી લહેર ફેલાવાથી એક જ દિવસમાં કોરોનાના 12 હજાર જેટલા કેસ નોંધાયા હતા. જર્મનીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 48.9 લાખ થઇ છે અને મરણાંક 97 હજારથી વધી ગયો છે. અત્યારે જર્મનીમાં 2700થી વધુ લોકો આઇસીયુમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. યુરોપના 61 દેશોમાં કોરોનાના કેસોમાં 42 ટકાનો વધારો નોંધાયો છે.
ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુએલ મેક્રોને જણાવ્યું હતું કે, 15 ડિસેમ્બરથી 65 વર્ષથી વધુ વર્ષના લોકોએ તેમના હેલ્થ પાસની મુદત વધારવા માટે બૂસ્ટર ડોઝ લીધો હોવાનો પુરાવો આપવો પડશે. ઉપરાંત તેમણે રેસ્ટોરાંમાં જમવા માટે તથા ઇન્ટરસિટી ટ્રેનમાં પ્રવાસ માટે પણ બૂસ્ટર ડોઝ લીધો હોવાનો પુરાવો આપવો પડશે.
બેલ્જિયમમાં હવે યુવાનોને પણ કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઇ છે. બેલ્જિયમમાં આરોગ્ય કર્મચારીઓ અને 65 વર્ષ કરતાં વધુ વય ધરાવતાં લોકોને ઘણાં સમયથી બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. અત્યારે બેલ્જિયમ કોરોનાની ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે.
કોરોનાના ઉદભવ સ્થાન ચીનમાં અને રશિયામાં પણ કોરોનાની સમસ્યા વધી રહી છે. બીજિંગમાં કોરોનાના નવા છ કેસ નોંધાવાથી જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ચીનમાં ઓક્ટોબર બાદ કોરોનાના એક હજારથી વધારે કેસો નોંધાયા છે. રશિયામાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 40 હજારથી વધુ કેસો નોંધાયા છે અને 1237 લોકોના મોત થયા છે. હવે રશિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 89, 52, 472 પર પહોંચી છે અને કોરોનાને કારણે મૃત્યુઆંક અઢી લાખથી વધી ગયો છે. બ્રાઝિલમાં પણ બુધવારે કોરોનાના નવા 12 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને 280 લોકોના મૃત્યુ થયા હતા. હવે બ્રાઝિલમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 21,909,298 થઇ છે અને મૃત્યુઆંક 6,10,036 પર પહોંચ્યો છે.