ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની બે નવીનતાસભર ગ્રાહકલક્ષી યોજનાઓ – રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેન્ક – ઇન્ટિગ્રેટેડ ઓમ્બ્ડ્સમેન સ્કીમનો પ્રારંભ કર્યો છે. આ અવસરે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન નિર્મલા સીતારામન અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અવસરે વડાપ્રધાને મહામારી દરમિયાન કરાયેલા પ્રયાસો બદલ નાણા મંત્રાલય અને આરબીઆઇ જેવી સંસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “દેશના વિકાસ માટે અમૃત મહોત્સવનો આ સમયગાળો, 21મી સદીનું આ દશક ખુબ જ મહત્વપૂર્ણ છે. આ સંજોગોમાં આરબીઆઇની ભૂમિકા પણ ખુબ જ વિશાળ છે. ટીમ આરબીઆઇ દેશની અપેક્ષાની એરણે ખરી ઉતરશે તેનો મને વિશ્વાસ છે.”
શુક્રવારે લોન્ચ કરાયેલી બે યોજનાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, આ યોજનાઓ દેશમાં મૂડીરોકાણનો અવકાશ વિસ્તારશે તેમજ રોકાણકારો માટે મૂડીબજારમાં કામ કરવાનું વધુ સરળ અને વધુ સુરક્ષિત બનશે. રિટેલ ડાયરેક્ટ સ્કીમે દેશના નાના રોકાણકારોને ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ માટેનું એક સરળ અને સલામત માધ્યમ પ્રદાન કર્યું છે. એવી જ રીતે ઇન્ટિગ્રેટેડ ઓમ્બુડ્સમેન સ્કીમ સાથે બેન્કિંગ ક્ષેત્રે વન નેશન, વન ઓમ્બુડ્સમેન વ્યવસ્થાએ આકાર પામી છે.
વડાપ્રધાને આ યોજનાઓના નાગરિક લક્ષી અભિગમ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ફરિયાદ નિવારણ વ્યવસ્થા એ કોઇ પણ લોકશાહીના સૌથી મોટા માપદંડો પૈકીનો એક માપદંડ હોય છે. આ ઇન્ટિગ્રેટેડ ઓમ્બુડ્સમેન સ્કીમ આ દિશામાં લાંબાગાળે સહાયભૂત બનશે. એવી જ રીતે રીટેલ ડાયરેક્ટ સ્કીમના કારણે મધ્યમ વર્ગ, કર્મચારીઓ, નાના ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ નાગરિકો પોતાની નાની બચત સાથે પ્રત્યક્ષ સ્વરૂપે અને સલામત રીતે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં આવશે, જેના કારણે અર્થતંત્રમાં દરેક વ્યક્તિના સમાવેશને પ્રોત્સાહન મળશે. ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં બાંયધરીપૂર્વકના સેટલમેન્ટની જોગવાઇ હોય છે, જેનાથી નાના રોકાણકારને સલામતીનો વિશ્વાસ મળે છે.
પાછલા સાત વર્ષમાં પારદર્શક્તા સાથે એનપીએને ઓળખી કાઢવામાં આવ્યું છે, ઉકેલ અને રિકવરી ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, જાહેર ક્ષેત્રની બેન્કોનું પુનઃ મૂડીકરણ કરવામાં આવ્યું છે, નાણાકીય વ્યવસ્થામાં તથા જાહેર ક્ષેત્રની બેન્કોમાં એક પછી એક સુધારા હાથ ધરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે, બેન્કિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે સહકારી બેન્કોને આરબીઆઈના કાર્ય ક્ષેત્ર હેઠળ લાવવામાં આવી છે. આના લીધે આ બેન્કોના સંચાલનમાં સુધાર થઈ રહ્યો છે અને લાખો થાપણદારોમાં આ વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનતો જાય છે.