અમેરિકાના બાઈડેન વહિવટીતંત્રે ઈમિગ્રેશન પ્રત્યે વધુ એક સાનુકુળ પગલાંમાં એચ-1 બી વિઝાધારકોના જીવનસાથીને ઓટોમેટિક વર્ક ઓથોરાઈઝેશન પરમિટ્સ પુરી પાડવા સંમતિ આપી છે. આ પગલાંથી હજ્જારો ઈન્ડિયન અમેરિકન મહિલાઓને લાભ થશે.
આ પગલાં માટેનું સમાધાન અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ એસોસિએશન (એઆઈએલએ) દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલા ક્લાસ-એક્શન લોસુટના નિકાલના એક ભાગરૂપે ઘડી કઢાયું હતું. એઆઈએલએ દ્વારા આ વર્ષે ઉનાળામાં જ ઈમિગ્રાન્ટ્સના જીવનસાથીઓ વતી આ કેસ કરાયો હતો.
એસોસિએશનના જોન વાસ્ડેને જણાવ્યું હતું કે ઈમિગ્રાન્ટ્સનું આ ગ્રુપ (એચ 4 વિઝાધારકો) ઈએડીઝ (એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોકયુમેન્ટ્સ) ના ઓટોમેટિક એક્સટેન્શન માટેના નિયમનકારી ટેસ્ટ્સમાં હંમેશા સફળતાની ક્ષમતા ધરાવતું હતું, પણ અગાઉ એજન્સીએ તેમના માટે એ લાભ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને તેમને નવેસરથી ઓથોરાઈઝેશન માટે રાહ જોવાની ફરજ પાડી હતી. આના કારણે આ લોકોને હાલાકી વેઠવી પડતી હતી. કોઈ જ યોગ્ય કે ન્યાયી કારણો વિના તેઓ સારા પગારની જોબ્સથી વંચિત રહેતા હતા અને તેના કારણે ફક્ત તેમને જ નહીં, અમેરિકાના બિઝનેસીઝને પણ નુકશાન વેઠવું પડતું હતું.
એચ 4 વિઝાધારકો માટે યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ) ની અગાઉની નીતિ મુજબ તેમની પોતાની સ્ટેન્ડ એલોન (પોતાની યોગ્યતાના આધારે) ઈએડી અરજીનો નિકાલ ના આવે ત્યાં સુધી તેમને પોતાના જીવનસાથીના વિઝાના આધારે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશનના ઓટોમેટિક એક્સટેન્શનનો ઈનકાર કરાતો હતો, તે નીતિ આ કેસને પગલે બદલવાની એજન્સીને ફરજ પડી છે.
એઆઈએલએએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, આ એક ઘણી મોટી ઉપલબ્ધિ છે અને તેમાં બન્ને પક્ષકારો વચ્ચેની સમંતિના પગલે, યુએસસીઆઈએસને પોતાના વલણમાં બીજો પણ એક મહત્ત્વનો ફેરફાર કરવો પડશે. એજન્સીએ હવે એ વાત સ્વિકારી છે કે, એલ-2 વિઝાધારકોના જીવનસાથીને પણ ઈન્સિડેન્ટ ટુ સ્ટેટસ, ઓટોમેટિક વર્ક ઓથોરાઈઝેશન મળે છે. તેનો મતલબ એવો થાય કે એક્ઝિક્યુટીવ્જ અને મેનેજર્સના જીવનસાથીઓને પણ અમેરિકામાં જોબ કરતાં પહેલા એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન માટે હવે પછી અરજી કરવી પડશે નહીં.
એસોસિએશનના ડાયરેકટર ઓફ ફેડરલ લિટિગેશન જેસી બ્લેસે કહ્યું હતું કે, આ એગ્રીમેન્ટ થવા અંગે અમે ખૂબજ આનંદિત થયા છીએ કારણ કે તેનાથી એચ-4 વિઝા ધરાવતા જીવનસાથીઓને વાસ્ડેન બાનીઆસ અને સ્ટીવન બ્રાઉનના કાનૂની કાર્યવાહીના પ્રયાસો થકી મોટી રાહત મળી છે. એ પણ સંતોષની વાત છે કે, અમેરિકી સરકારી તંત્રને એ સ્થિતિમાં વજૂદ સમજાયું હતું કે, આ કેસમાં કોઈક ઉકેલ લાવવાની જરૂર છે અને તેઓએ ઝડપથી કઈંક કર્યું.
બરાક ઓબામાના સત્તાકાળ દરમિયાન અમેરિકી વહિવટીતંત્રે એચ 1 બી વિઝાધારકોના જીવનસાથીઓના કેટલાક વર્ગને પણ જોબ કરવાની (વર્ક ઓથોરાઈઝેશન) મંજુરી આપી હતી. અત્યારસુધીમાં 90,000થી પણ વધુ એચ-4 વિઝાધારકોને જોબની મંજુરી મળી ચૂકી છે અને તેમાંથી મોટાભાગની લાભાર્થીઓ ઈન્ડિયન અમેરિકન મહિલાઓ છે.