કોરોનાએ આરોગ્ય સાથે સામાજિક સમસ્યાઓ પણ ઉભી કરી છે. પરિવારજનો, સગાં-વ્હાલાં-સ્વજનો વિખુટા પડી ગયા છે. કોઈના મૃત્યુ જેવા પ્રસંગોમાં પણ પરિવારજનો જઈ શકતા નથી. પરિણામે સામાજીક ખાઈ મોટી થતી જાય છે. તેની સામે કેટલાક દેશોએ સોશિયલ ગેધરિંગની રણનીતિ અપનાવી છે. બેલ્જિયમ, ન્યુઝિલેન્ડ, જર્મની જેવા દેશોએ ચાર વ્યક્તિ સુધી ભેગા થવાની છૂટ આપી છે. એટલે કે પરિવારના સભ્ય સિવાય અન્ય ચાર સુધી ભેગા થાય તો વાંધો નથી, પરંતુ એ મુલાકાત ઘરમાં જ થવી જોઈએ, કોઈએ બહાર નીકળવાની છૂટ નથી.

બેલ્જિયમમાં રવિવારે સરકારે દરેક ઘરને કહ્યું હતું કે તમે આજના દિવસે મહત્તમ ચાર ગેસ્ટને આમંત્રિત કરી શકશો. એ મુલાકાત ઘરમાં થાય અને અન્ય કોઈને મળવામાં ન આવે એવી શરતોએ મંજૂર થઈ હતી. સાથે સાથે અન્ય કેટલાક નિયમોનું પાલન પણ ફરજિયાત હતું. ન્યુઝિલેન્ડે પણ આવી જ નીતિ અપનાવી લોકોને પોતાના સગાં-સ્વજનોને મળવાની છૂટ આપી છે. સરકારે પ્રજાને સૂચના આપી હતી કે જે વ્યક્તિનું નામ નક્કી કરો તેને જ મળો, એ સિવાય કોઈને મળી નહીં શકો. જેથી રોગચાળો ફેલાવાનો ભય ઓછો રહે.

બેલ્જિયમની માફક જર્મનીએ પણ ચાર વ્યક્તિની મુલાકાત માટે મંજૂરી આપી હતી. હવે આગામી દિવસોમાં યુ.કે. પણ આવી જ નીતિ અપનાવે તેવી શક્યતા છે. યુરોપના અનેક દેશો લૉકડાઉન હળવું કરી ચૂક્યા છે. જ્યાં ઓછા કેસ છે, એવા ેડેન્માર્ક, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા વગેરે દેશો મહત્તમ દસ વ્યક્તિને ભેગા થવાની મંજૂરી આપી ચૂક્યા છે. અલબત્ત, આ બધી જ કામગીરી સરકારી પરમિશન પછી થાય છે, માટે ભારતની જેમ ત્યાં પણ પરમિશન માટે લાંબી લાઈનો લાગી છે.