Getty Images)

ન્યૂઝીલેન્ડના બેટસમેન લિયો કાર્ટરે ઘરઆંગણાની ટી-૨૦ ટુર્નામેન્ટની મેચમાં એક ઓવરમાં છ છગ્ગાની સિદ્ધિ હાંસલ કરી છે. એક ઓવરમાં છ છગ્ગા મારનારો તે વિશ્વનો માત્ર સાતમો બેટ્સમેન છે.
સુપર સ્મેશ તરીકે ઓળખાતી ન્યૂઝીલેન્ડની ટી-૨૦ ટુર્નામેન્ટમાં કેન્ટરબરી કિંગ્સ તરફથી રમતાં કાર્ટરે નોર્ધન નાઈટ્સના લેફ્ટ આર્મ સ્પિનર એન્ટન સામે આ પરાક્રમ કર્યું હતું. ૨૫ વર્ષના ડાબોડી બેટ્સમેન કાર્ટરે ફક્ત ૨૯ બોલમાં ૭૦ રન કરતાં તેની ટીમે ૨૨૦નાે ટાર્ગેટ સાત બોલ બાકી હતા ત્યારે હાંસલ કરી લીધો હતો. કાર્ટરે ૭ છગ્ગા અને ૩ ચોગ્ગા ફટકાર્યા હતા.
કાર્ટર પહેલા વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સ, ભારતના રવિ શાસ્ત્રી, સાઉથ આફ્રિકાના હર્ષલ ગીબ્સ, ભારતના યુવરાજ સિંઘ, વોર્સેસ્ટરશાયરના રોસ વ્હાઈટલેય અને અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝાઝાઈએ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.
કાર્ટર ટી-૨૦માં આવી સિદ્ધિ મેળવનારો યુવરાજ, વ્હાઈટલેય અને ઝાઝાઈ પછીનો ચોથો બેટ્સમેન બન્યો છે. યુવરાજે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.