Nirav Modi threatened with murder or suicide in India
ફાઇલ ફોટો (PTI Photo)

બ્રિટનની હાઇ કોર્ટે ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની પ્રત્યાર્પણ સામેની અરજીને ફગાવી દીધી છે. ભારતમાં પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)માં આશરે 2 બિલિયન ડોલરના કૌભાંડના કેસમાં બ્રિટનના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે નીરવ મોદીનું ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો એપ્રિલમાં આદેશ આપ્યો હતો.

ગૃહપ્રધાનના આદેશ સામે અથવા વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ફેબ્રુઆરીના ચુકાદા સામે અપીલ કરવાનો કોઇ દસ્તાવેજી આધાર છે કે નહીં તેનો નિર્ણય કરવા માટે હાઇ કોર્ટમાં અપીલ થઈ હતી.

હાઇ કોર્ટના અધિકારીએ પુષ્ટી આપી હતી કે મંગળવારે અપીલ કરવાની પરવાનગીનો ઓન પેપર ઇન્કાર કરવામાં આવ્યો હતો. હજુ નીરવ મોદીને નવેસરની લીવ ટુ અપીલ એપ્લિકેશન સાથે હાઇ કોર્ટમાં ટૂંકી મૌખિક સુનાવણી માટે પોતાનો કેસ રજૂ કરવાની એક તક મળશે. આ સુનાવણીને આધારે જજ નક્કી કરશે કે સંપૂર્ણપણે પ્રત્યાર્પણ અરજીની સુનાવણી કરવી કે નહીં.

કાનૂની માર્ગરેખા મુજબ અરજદાર તરીકે નીરવ મોદી આવી મોખિક સુનાવણી માટે પાંચ દિવસમાં અરજી કરી શકે છે. તેથી આગામી સપ્તાહ સુધી તેની પાસે સમય છે. જો નવેસરથી અરજી થશે તો હાઇ કોર્ટ જજ સમક્ષ સુનાવણી માટે તેનું લિસ્ટિંગ થશે. નીરવ મોદી આવી અરજી કરવાની યોજના ધરાવતા હોવાનું માનવામાં આવે છે.

ભારત સરકાર વતી કેસ લડતા ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ (સીપીએસ)એ ગયા મહિને જણાવ્યું હતું કે તેઓ અપીલ માટેની પરવાનગી માટે અરજી કરે છે કે તેની અમે રાહ જોઇ રહ્યાં છીએ. જો અપીલ કરવાની તેમને મંજૂરી મળશે તો અમે ભારત સરકાર વતી અપીલ અંગેની સુનાવણીનો વિરોધ કરીશું.

19 માર્ચ 2019ના રોજ ધરપકડ પછીથી 50 વર્ષીય નીરવ મોદી લંડની જેલમાં છે. ફેબ્રુઆરીમાં પોતાના ચુકાદામાં ડિસ્ટ્રિક્ટ જજ સેમ ગૂઝીએ જણાવ્યું હતું કે નીરવ મોદીએ ભારતની કોર્ટમાં જવાબ આપવો પડે તેવો તેમની સામે કેસ છે અને યુકેના કાયદા હેઠળ પ્રત્યાર્પણ પરનો પ્રતિબંધ આ કેસમાં લાગુ પડતો નથી. સર્વગાહી ચુકાદામાં જજે જણાવ્યું હતું કે પીએનબીમાં કૌભાંડમાં નીરદ મોદી ગુનેગાર ઠરે તેવા પુરાવા છે.