(Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)
લંડન હાઇ કોર્ટના જજે સોમવારે ભારતના ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પણ કરવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશની વિરુદ્ધમાં અપીલ કરવાની પરવાનગી આપી હતી. હાઇ કોર્ટના જજે માનસિક આરોગ્ય અને માનવ અધિકારોના આધારે આ મંજૂરી આપી હતી.
જસ્ટિસ માર્ટિન ચેમ્બરલીને પોતાના વર્ચુઅલ ચુકાદામાં જણાવ્યું હતું કે 50 વર્ષીય ડાયમંડ મર્ચન્ટની લીગલ ટીમે “ભારે ડિપ્રેશન” અને “આત્મહત્યાનું ઊંચું જોખમ” અંગે રજૂ કરેલી દલીલો વ્યાપક સુનાવણીમાં ટકી શકે તેવી છે. જજે નોંધ્યું હતું કે મુંબઈની આર્થર રોડ જેલમાં આત્મહત્યાના પ્રયાસોને સફળતાપૂર્વક અટકાવી શકે તેવા પૂરતા પગલાં છે કે નહીં તે અંગે પણ દલીલો થઈ શકે તેમ છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારત સરકારે નીરવ મોદીને આર્થર રોડ જેલમાં રાખવાની યોજના બનાવેલી છે.
ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે હાલના તબક્કામાં મારા સામે સવાલ એ છે કે આ દલીલોને આધારે અરજકર્તાનો કેસ ટકી શકે તેમ છે કે નહીં. મારા માનવા મુજબ આ વાજબી દલીલો છે. હું ગ્રાઉન્ડ-3 અને 4ના આધારે અપીલ કરવાની પરવાનગી આપીશ.
ગ્રાઉન્ડ-3 અને 4 યુરોપિયન કન્વેશન ઓફ હ્યુમન રાઇટ્સની કલમ-3 તથા ફિટનેસ સંબંધિત યુકે ક્રિમિનલ જસ્ટિસ એક્ટ 2003ની સેક્શન 91 સાથે જોડાયેલી છે.
હાઇ કોર્ટના આ આદેશથી ભારતીય બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરીને વિદેશ ફરાર થયેલા હીરા વેપારી નીરવ મોદીને થોડી રાહત મળી છે અને ભારતમાં લાવવાના ભારત સરકારના પ્રયાસોની પીછેહટ થઈ છે.
ભારતમાં નીરવ મોદી વિરુદ્ધ પંજાબ નેશનલ બેન્કમાં આશરે બે બિલિયન ડોલરની છેપરપિંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી માર્ચ 2009થી લંડનની જેલમાં છે.