કોરોના વાઈરસના જોખમ મુદ્દે મંગળવારે ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ એસોસીએશનની બેઠકમાં કોરોનાવાઈરસને લઈને નાણાપ્રધાન સીતારમણે કહ્યું છે કે, હાલ તુરંત કોઈ જોખમ નથી પરંતુ ટૂંકા ગાળા માટે કોરોનાને કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે તેમ છે.
જેમાં કાચા માલના પુરવઠામાં હાલ કોઈ ઘટ સર્જાઈ નથી પરંતુ ભવિષ્યમાં થઈ શકે છે. તેમ છતાં બુધવારે સંબંધિત મંત્રાલયના સચિવો સાથે એક બેઠક યોજાવાની છે. જો જરૂર પડશે તો પીએમઓ સાથે પણ વાતચીત કરાશે.
આ ઉપરાંત તેમણે ભાવ વધારાને લઈને કહ્યું કે, ટૂંકાગાળા માટે ભાવ વધારો થઈ શકે છે પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી. જો કે સપ્લાય ચેનને અસર થવાની આશંકા વ્યક્ત કરી હતી. આપને જણાવી દઈએ કે, ઔરંગાબાદમાં લગભગ 4000 જેટલી નાની કંપનીઓ ચીનની આયાત પર નિર્ભર છે.
સીતારમણે જણાવ્યું કે, ચીનથી આયાત કરાતા કાચા માલના પુરવઠા પર ઘણી અસર થઈ છે. જે ઉદ્યોગો ચીન પર નિર્ભર છે તેમની ફરિયાદ મળી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં લગભગ 4000 જેટલી નાની કંપનીઓ ચીનની આયાત પર નિર્ભર છે. ભારતની 28 ટકા આયાતને અસર થાય તેમ છે. ઇલેક્ટ્રીક મશીનરી, મિકેનીકલ એપ્લાયન્સ, ઓર્ગેનીઝ કેમિકલ, પ્લાસ્ટિક અને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટની મોટાપાયે આયાત કરવામાં આવે છે.