મુકેશ અંબાણી (ડાબી બાજુ), પત્ની નિતા અંબાણી (સેન્ટ્રલ) અને પુત્ર અનંત અંબાણી (Photo by DRANIL MUKHERJEE/AFP via Getty Images)

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્નીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં તેમના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એસયુવી મળી આવ્યા બાદ તેમની ગુજરાતની નિર્ધારિત મુલાકાત રદ કરી હતી, એમ એન્ટિલિયાના સુરક્ષા વડાએ તપાસ એજન્સી NIAને આપેલા નિવેદનમાં જણાવાયું છે.

એન્ટિલિયાના બીજા એક સિક્યોરી ગાર્ડે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને જણાવ્યું હતું કે આ ઘટના પછી આ વિસ્તારનું વાતાવરણ બદલાઈ ગયું છે અને તે ભયમુક્ત નથી.

NIAએ તેની ચાર્જશીટમાં જણાવ્યું છે કે એન્ટિલિયા બોંબ કાંડના મુખ્ય આરોપી પદભ્રષ્ટ પોલીસ અધિકારી સચિન વાઝે તેના સરકારી ડ્રાઇવરને જણાવ્યું હતું કે આ એક ગુપ્ત ઓપરેશન હતું.

NIAએ આ કેસમાં વાઝે અને નવ આરોપીઓ સામે વિશેષ કોર્ટમાં ગયા સપ્તાહે ચાર્જશીટ દાખલ કરી હતી. અંબાણીના નિવાસસ્થાને 25 ફેબ્રુઆરીએ જિલેટિન સ્ટીક્સ સાથેની કાર મળી હતી. આ પછી થાણેના બિઝનેસમેન મનસુખ હિરનની રહસ્યમય હત્યા થઈ હતી.

સિક્યોરિટીના વડાએ જણાવ્યું હતું કે તે દિવસે ગુજરાતના જામનગર માટેની નિતા અંબાણીની મુલાકાતમાં ફેરફારમાં કરવામાં આવ્યો હતો અને પછીથી ઝોનલ ડીસીપીની સલાહથી યાત્રા રદ કરવામાં આવી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે તેમને ઘણી ધમકીઓ મળી હતી, પરંતુ તે તમામ ઓક્ટોબર 2020થી શરૂ થયેલા ખેડૂતોના આંદોલન સંબંધિત હતી. કાર ઘટનામાં અંબાણી પરિવારને કોઇ વ્યક્તિ પર આશંકા નથી.

વાઝેના ડ્રાઇવરે અંબાણીના ઘરે વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાની રાત્રે (24-25 ફેબ્રુઆરી) બનેલા સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીની સાંજે 5.30 વાગ્યે વાઝે મહારાષ્ટ્રના તત્કાલિન ગૃહપ્રધાન અનિલ દેશમુખના સત્તાવાર નિવાસસ્થાને ગયા હતા. વાઝે એકલા જ ગયા હતા અને એક કલાક પછી પાછા આવ્યા હતા. વાઝેએ મહિન્દ્રા સ્કોર્પિયો અને ઇનોવા કારની નંબર પ્લેટ બદલવાની સૂચના આપી હતી. બપોરે 2.10 કલાકે વાઝે સ્કોર્પિયા કાર ચલાવતા હતા અને હું ઇનોવા કાર ચલાવતો હતો. એક ચોક્કસ જગ્યાએ વાઝે સ્કોર્પિયાને અટકાવી હતી અને રોડની ડાબી બાજુ મૂકી દીધી હતી. મે પણ આશરે 40થી 50 મીટરના અંતરે મારી ઇનોવા કાર અટકાવી દીધી હતા.