Mohammadi family archive photos/Handout via REUTERS/File Photo

ઇરાનની જેલમાં બંધ મહિલા અધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીનું શુક્રવારે શાંતિના નોબેલ પુરસ્કારથી સન્માન કરવાની એકેડમીએ જાહેરાત કરી હતી. મોહમ્મદીને શાંતિનો નોબેલ પુરસ્કાર ઇરાનના આપખુદ નેતાઓ માટે એક લપડાક સમાન છે અને તેનાથી મહિલાઓનું દમન કરતી સરકાર વિરોધ દેખાવોને વેગ મળી શકે છે.

મોહમ્મદી હાલમાં તેહરાનની ઇવિન જેલમાં લગભગ 12 વર્ષની જેલની સજા ભોગવી રહ્યાં છે. મોહમ્મદી 2003ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદીની આગેવાની હેઠળની બિન-સરકારી સંસ્થા ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઇટ્સ સેન્ટરના ડેપ્યુટી વડા છે. 122 વર્ષથી આપવામાં આવતા આ પુરસ્કારના મોહમ્મદી 19મી મહિલા વિજેતા છે.

નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે ઈરાનમાં તાજેતરના અભૂતપૂર્વ પ્રદર્શનો પાછળના તમામને આ ઈનામ સન્માનિત કરે છે અને 51 વર્ષીય મોહમ્મદીને મુક્ત કરવાની હાકલ કરે છે. મોહમ્મદી   મહિલા અધિકારો માટે લડત આપી રહ્યાં  અને મૃત્યુદંડની સજા નાબૂદી બંને માટે ઝુંબેશ ચલાવી રહ્યાં છે.

નોર્વેની નોબેલ સમિતિના વડા બેરીટ રીસ-એન્ડરસને જણાવ્યું હતું કે ” ઈરાની સત્તાવાળાઓ યોગ્ય નિર્ણય કરીને તેમને મુક્ત કરવા જોઇએ, જેથી તેઓ આ સન્માન (ડિસેમ્બરમાં) પ્રાપ્ત કરવા માટે હાજર રહી શકે. તેહરાન તરફથી કોઈ તાત્કાલિક સત્તાવાર પ્રતિક્રિયા આવી ન હતી. ઇરાનના નેતાઓ પોતાના દેશ વિરોધી દેખાવોને પશ્ચિમી દેશો પ્રેરિત તોડફોડ ગણાવે છે.

મોહમ્મદીનો જન્મ 21 એપ્રિલ 1972એ ઈરાનના કુર્દીસ્તાનના ઝાંજાન શહેરમાં થયો હતો. તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તેઓ કટારલેખક અને એક પત્રકાર પણ છે. નરગીસ 1990ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. નોબેલ પ્રાઈઝ વેબસાઈટ અનુસાર નરગીસ મોહમ્મદીને જેલમાં બંધ કાર્યકરો અને તેમના પરિવારોને મદદ કરવાનો પ્રયાસ કરવા બદલ 2011માં પહેલીવાર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં.

 

LEAVE A REPLY

seventeen + 5 =