ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા તેમજ ભાવનગર જેવા શહેરોમાં જાહેર રસ્તા પરથી ઈંડા અને નોન-વેજની લારીઓ હટાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિવાદાસ્પદ આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ મંગળવાર, 16 નવેમ્બરથી આવી લારીઓ દૂર કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર આવતીકાલથી ઈંડા, નોન-વેજની લારીઓ ઉભી નહીં રહેવા દેવાય. કોર્પોરેશનની ટીમો દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરાશે અને જે કોઈ લારીવાળા નિયમનો ભંગ કરશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટિ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, અમદાવાદના જાહેર રસ્તા પરથી ટ્રાફિકને નડતરરુપ થતી હોય તેવી ઈંડા, નોનવેજની લારીઓને હટાવાશે. શહેરમાં જાહેર રસ્તાઓ ઉપરાંત, ધાર્મિક સ્થળ, કોમ્યુનિટી હોલ, શૈક્ષણિક સંસ્થાઓ, બાગ-બગીચા પાસે પણ ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી નહીં રાખી શકાય. એટલું જ નહીં, મટન વિક્રેતાઓ જાહેરમાં દેખાય તે રીતે મટન નહીં વેચી શકે અને તેમને કોર્પોરેશન પાસેથી લાઈસન્સ પ્રાપ્ત કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તાજેતરના દિવસોમાં રાજકોટ, વડોદરા જેવા મેગા સિટીમાં ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. તેમાંય વડોદરાના ધારાસભ્ય અને કાયદા તેમજ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ એવું નિવેદન આપ્યું હતું કે રસ્તા પર ઈંડા, નોનવેજની લારીઓ ઉભી રાખવી લેન્ડ ગ્રેબિંગ સમાન છે, અને આ લારીઓમાં ઉડતા ધૂમાડાથી લોકોના સ્વાસ્થ્યને નુક્સાન થાય છે.