(Photo by STRDEL/AFP via Getty Images)
1990 દસકાના સુપરહીરો ‘શક્તિમાન’ ફરીથી ફિલ્મી પડદે જોવા મળી શકે છે. જ્યારથી આ ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો ઉત્સાહિત છે. અભિનેતા મુકેશ ખન્નાએ શક્તિમાન બનીને તેમનું નામ દરેકમાં જાણીતું કર્યું હતું. મુકેશે ઘણા વર્ષો સુધી ટીવી પર શક્તિમાનનું પાત્ર ભજવ્યું. ઘણા સમય પહેલા શક્તિમાન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
અભિનેતાએ જણાવ્યું છે કે, શા માટે ફિલ્મ બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે. અભિનેતા મુકેશ ખન્નાએ ‘શક્તિમાન’ને મોટા પડદા પર લાવવા માટે ગયા વર્ષે સોની પિક્ચર્સ ઈન્ડિયા સાથે કરાર કર્યા હતા. સોની પિક્ચર્સ દ્વારા ટીઝરનો વીડિયો શેર કરીને ફિલ્મીની જાહેરાત કરી હતી. હવે મુકેશ ખન્નાએ આ ફિલ્મ પ્રોજેક્ટને લઈને મોટું અપડેટ આપ્યું છે. મુકેશ ખન્નાએ તેમની યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર તેમના નવા પ્રોજેક્ટ ‘શક્તિમાન’ વિશે ઘણી વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ચોક્કસપણે બની રહી છે. આ ફિલ્મને ઇન્ટરનેશનલ સ્તરે લઈ જવા માટે મોટી યોજના બનાવવામાં આવી છે. મુકેશ ખન્નાનું કહેવું છે કે ફિલ્મ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. આ ખૂબ જ ઉચ્ચ કક્ષાની ફિલ્મ હશે. આ ફિલ્મ માટે રૂ. 200થી 300 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોલીવૂડ સુપરહિરો સ્પાઈડર મેન બનાવનાર કંપની સોની પિક્ચર્સ આ ફિલ્મ પર કામ કરી રહી છે. કોરોનાકાળ દરમિયાન ફિલ્મનું કામ બંધ થઈ ગયું હતું. પરંતુ હવે આ પ્રોજેકટ બનશે. હું ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે અત્યારે કંઈ કહી શકું તેમ નથી. પરંતુ હું તમને ચોક્કસ કહી શકું છું કે આ બહુ મોટી ફિલ્મ બનવા જઈ રહી છે, તેથી તેમાં સમય લાગશે. ફિલ્મની સ્ટારકાસ્ટ કોણ હશે? તમને સૌને ટૂંક સમયમાં તેનું દિગ્દર્શન કોણ કરશે વગેરેની માહિતી મળશે.
વર્ષ 2022માં સોની પિક્ચર્સે ટીઝર શેર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. એવું કહેવાતું હતું કે ‘શક્તિમાન’ને મોટા પડદા પર સુપરહીરો ટ્રાયોલોજી તરીકે લાવવામાં આવશે. ત્યારે કહેવાતું હતું કે, આ ફિલ્મનો હીરો રણવીર સિંહ હોઈ શકે છે. જોકે, હવે તેમાં સુપરહીરો તરીકે કોણ જોવા મળશે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

twenty + 4 =