અબુધાબીસ્થિત ઇન્ડિયન એમ્બેસીએ જાહેરાત કરી છે કે, કોવિડ-19 મહામારીને કારણે મુસાફરી પરના પ્રતિબંધોને પગલે હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડહોલ્ડર્સ માટે આ કાર્ડ ફરીથી ઇસ્યુ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી છે.

વિશ્વભરના આ કાર્ડધારક ભારતીય મૂળના લોકો ભારતમાં વીસા વગર મુસાફરી કરી શકે છે. જો કે, દર વર્ષે 20 વર્ષની ઉંમર સુધી નવો પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવે ત્યારે, અને 50 વર્ષની ઉંમર પછી એકવાર ફરી ઓસીઆઇ કાર્ડ ફરીથી ઇસ્યુ કરાવવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે, તેમ અબુધાબી સ્થિત ઇન્ડિયન એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ કાર્ડધારકોને અસુવિધા ન થાય તે માટે તે ફરીથી ઇસ્યુ કરાવવા માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે.

વધુમાં જ્યારે ભારત સરકારે ઇન્ટરનેશનલ હવાઇ મુસાફરીના પ્રતિબંધો ઉઠાવી લીધા છે ત્યારે ઓસીઆઇ કાર્ડની ભારતના આજીવન વીસાની સુવિધા ફરીથી આપવામાં આવશે. આ કાર્ડહોલ્ડર્સ તેમના વર્તમાન ઓસીઆઇ કાર્ડના આધારે જુના પાસપોર્ટ નંબર સાથે મુસાફરી કરી શકશે. જો કે ઓસીઆઇ કાર્ડધારકે જુનો અને નવો બંને પાસપોર્ટ સાથે રાખવા જરૂરી રહેશે. ભારત જતી વખતે તેમણે જુના પાસપોર્ટ નંબર ધરાવતું ઓસીઆઇ કાર્ડ સાથે રાખવું જરૂરી રહેશે.

ઓસીઆઇ કાર્ડધારક ભારતીય મૂળના લોકોને અન્ય ભારતીય નાગરિકોની જેમ વિવિધ સુવિધાની સાથે ભારતમાં વીસા વગર મુસાફરી કરવાની સવલત મળે છે. જો કે, તેમને મતદાન કરવાનો, સરકારી નોકરી કરવાનો અને કૃષિની જમીન ખરીદવાનો અધિકાર મળતો નથી.