વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા મુજબ કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન હવે 171 દેશોમાં ફેલાયો છે અને ટૂંક સમયમાં તે ડેલ્ટાનું સ્થાન લશે. ઓર્ગેનાઇઝેશનના અધિકારીના જણાવ્યા મુજબ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરિવારમાં કે આસપાસના લોકોમાં ઝડપથી ફેલાવાની સંભાવના પણ છે અને ચેપ લગાડવાની ક્ષમતા પણ તેમાં વધારે છે. મોટાભાગના દેશોમાં તેની સંખ્યા ડેલ્ટા કરતાં વધી ગઈ છે. તે ઝડપથી ફેલાઈ રહ્યો છે તે જોતા તે ટૂંક સમયમાં ડેલ્ટાનું સ્થાન લઈ લેશે. ઓમિક્રોન પર રસી અસરકારકતા ઓછી તેવું જાણવા મળતા તે અંગે વધુ સંશોધન જરૂરી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ઓમિક્રોન પ્રમાણમાં હળવો છે તેમ છતાં જે કંઈ પૂરાવા મળ્યા છે તે દર્શાવે છે કે ઓમિક્રોન સંબંધિત જોખમ ઘણું વધારે છે અને કોરોનાના અગાઉના વેરિઅન્ટ ફેલાયા હતા તેના કરતાં વધુ પ્રમાણમાં તે ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોન અગાઉના સાર્સ-કોવ-2 વેરિયન્ટ્સ કરતાં ઓછો ઘાતક છે અને ઓછા મૃત્યુ થઇ રહ્યા છે તેમ છતાં તેનો ફેલાવો વધારે છે અને કેટલાક દેશોમાં હોસ્પિટલાઈઝેશન વધ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટ હ્યુમન બ્રોકન્સ ટિસ્યૂને ડેલ્ટા કરતાં વધારે ઝડપથી અને વધુ અસરકારક રીતે ચેપ લગાડે છે. જોકે તે ઉપરના સ્તર પર વધુ જોવા મળ્યો છે. કેટલીક જગ્યાએ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ્સ પણ જોવા મળ્યા હોવાનું નોંધ્યું છે. અગાઉ BA.1 લાઈનેજ વધારે ગંભીર હતો, પરંતુ તાજેતરમાં ભારત, સાઉથ આફ્રિકા, યુકે, ડેનમાર્કમાં જોવા મળેલા ટ્રેન્ડ પરથી માલૂમ પડ્યું છે કે BA.2 નું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેના લક્ષણો અંગે વધુ તપાસ થઈ રહી છે.