પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓમિક્રોન સબવેરિયન્ટના કારણે કોરોનાવાઇરસ કેસોમાં વધારો થઇ રહ્યો છે અને ઓમિક્રોનનો BA.2 સબવેરિયન્ટ હવે ઈંગ્લેન્ડમાં કોવિડ-19ના લગભગ તમામ કેસ માટે જવાબદાર છે એવું વિશ્લેષણમાં બહાર આવ્યું છે. BA.2 અગાઉના વેરિઅન્ટ્સ કરતાં વધુ ટ્રાન્સમિસિબલ તરીકે ઉભરી આવ્યો છે.

સમગ્ર યુકેમાં તા. 20થી સપ્તાહ દરમિયાન 516,289 કેસ નોંધાયા છે, જેમાં સાત દિવસની સરેરાશ 49.2 ટકાની વૃદ્ધિ છે. કોવિડ-19ના કારણે ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં 11,010 દર્દીઓ દાખલ થયા હતા. જે સંખ્યા એક અઠવાડિયા અગાઉ 9,163 હતા.

આવતા અઠવાડિયાથી ઈંગ્લેન્ડમાં રહેતા 75 વર્ષથી વધુ ઉંમરના લોકો, કેર હોમમાં રહેતા વૃદ્ધ લોકો અને 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટેનો સ્પ્રિંગ બૂસ્ટર પ્રોગ્રામ શરૂ થવાનો છે. જે અંતર્ગત સમગ્ર યુકેમાં 80 લાખથી વધુ લોકોને ટોપ-અપ જૅબ્સ આપવાની અપેક્ષા છે. તે માટે ફાઇઝર-બાયોએનટેક અને મોડેર્ના રસીઓનો ઉપયોગ કરાશે.

આરોગ્ય અધિકારીઓ આ રસીકરણને સૌથી વધુ સંવેદનશીલ લોકોમાં સંભવિત રૂપે ઘટતી જતી ઇમ્યુનિટી સામે “સાવચેતીના” પગલા તરીકે વર્ણવ્યું છે, જેમાંથી ઘણાને છ મહિના કરતાં વધુ સમય પહેલાં પ્રારંભિક બૂસ્ટર ડોઝ મળ્યો હતો.

યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાના પ્રોફેસર એલિસ્ટર ગ્રાન્ટે ટ્વિટર પર મોડેલિંગ ડેટા શેર કરતા જણાવ્યું હતું કે ‘’ઈંગ્લેન્ડમાં BA.2 વાઇરસ કુલ કેસોના 90 ટકા છે, જે દર ગયા સપ્તાહે 80 ટકા હતો. BA.2 વેરિયન્ટ BA.1 કરતાં લગભગ 1.4 ગણો વધુ ચેપી છે જેથી કેસોમાં વધારો થઇ રહ્યો છે.”

ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના ઇન્ફેક્શન સર્વે મુજબ 5 માર્ચે પૂરા થતા સપ્તાહમાં ઇંગ્લેન્ડમાં 25માંથી એક વ્યક્તિ, વેલ્સમાં 30માંથી એક, નોર્ધર્ન આયર્લૅન્ડમાં 13 માંથી એક અને સ્કોટલેન્ડમાં 18 માંથી એક વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

ONS એ લોકોનું જીવન કેવી રીતે “સામાન્ય” થઇ રહ્યું છે તેના આંકડા પ્રકાશિત કર્યા હતા. 9 ટકાએ અહેવાલ આપ્યો હતો કે ફેબ્રુઆરી સુધીમાં તેમનું જીવન સામાન્ય થઈ ગયું છે, જે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં 4 ટકાથી વધુ છે.