લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતેથી તા. 21ને સોમવારે બપોરે પર્યાવરણવાદી સદગુરુ જગ્ગી વાસુદેવે એમપી બોબ બ્લેકમેન, લોર્ડ રેમી રેન્જર CBE, લોર્ડ કરણ બિલીમોરિયા, લોર્ડ જીતેશ ગઢીયા, ભારતીય હાઇ કમિશ્નર ગાયત્રી ઇસ્સાર કુમાર અને અન્ય ભારતીય અગ્રણીઓની ઉપસ્થિતીમાં પોતાના 30,000 કિમી લાંબા અને 100 દિવસના સેવ સોઈલ જાગૃતિ અભિયાન – મોટરસાયકલ પ્રવાસની શરૂઆત કરી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ સાથે સંલગ્ન આ પ્રવાસનો શુભારંભ કરનાર  65 વર્ષના પૂ. સદગુરૂ સમગ્ર યુરોપ અને મધ્ય પૂર્વના દેશોમાં ફરીને ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી પ્રસંગે નવી દિલ્હી પરત ફરવાનું લક્ષ્ય રાખે છે.

પૂ. સદગુરૂએ આ અંગે ભારતીય હાઇ કમિશન ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે ‘’હું છેલ્લા 24 વર્ષથી ભારતમાં જમીનને બચાવવાની વાત કરી રહ્યો છું. હાલમાં ભારતની 62 ટકા જેટલી જમીન રણમાં ફેરવાઇ જવાના આરે છે.  વિશ્વની લગભગ 50 ટકા ટોપ સોઇલ નાશ પામી છે. પરંતુ આ પ્રશ્નનો ઉકેલ ત્યારે જ આવી શકે જ્યારે દુનિયાના દરેક રાષ્ટ્ર સકારાત્મક નીતિ અપનાવે. આ માટે દરેક દેશોએ રોકાણ કરવું પડશે. આ માટે જનમત જાગૃત કરવો પડશે. જો વિશ્વની વસ્તીના 60 ટકા લોકો આ પ્રશ્નને વાચા આપશે તો સરકારોએ પણ આ બાબતે રસ લેવો જ પડશે.”

પૂ. સદગુરુએ જણાવ્યું હતું. કે “યુરોપના ઘણા ભાગોમાં હજુ પણ બરફ પડી રહ્યો છે અને અમે ટુ-વ્હીલર પર ભારત પહોંચીશુ ત્યારે ચોમાસુ ચાલુ થઇ ગયું હશે. ઠંડી-ગરમી અને વરસાદ વચ્ચેની આ મુસાફરી મારી આ ઉંમરે આનંદની સવારી નથી. પણ હું આ કેમ કરી રહ્યો છું? કારણ કે છેલ્લા 20 વર્ષમાં 300,000થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આવું થઈ રહ્યું છે. મુખ્ય ચિંતાઓમાંની એક મહત્વની બાબતે એ છે કે જમીનનો નાશ થઇ રહ્યો છે.’’

કોન્શિયસ પ્લેનેટ પહેલના ભાગ રૂપે નાશ પામતી માટી અને વધતા રણ તરફ વિશ્વનું ધ્યાન દોરવા સેવ સોઇલ મૂવમેન્ટ શરૂ કરનાર પૂ. સદગુરૂએ જણાવ્યું હતું કે ‘’જમીનોના ધોવાણને રોકવા માટે લાંબા ગાળાના રોકાણની જરૂર છે. આ ખૂબ જ કપરી ચેલેન્જ છે અને તે માટે બધાએ અવાજ ઉઠાવવો પડશે. આપણી પાસે આજની તારીખે જમીનને બચાવવાની તક છે પણ તે તક આવતા 20-25 વર્ષમાં જતી રહેશે. યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD) મુજબ, 2050 સુધીમાં પૃથ્વીની 90 ટકાથી વધુ જમીન અધોગતિ પામી શકે છે, જેના કારણે વિશ્વભરમાં આપત્તિજનક કટોકટી આવી શકે છે. તેને કારણે ખોરાક અને પાણીની અછત, દુષ્કાળ, પ્રતિકૂળ આબોહવા પરિવર્તન, સામૂહિક સ્થળાંતર અને અભૂતપૂર્વ પ્રજાતિઓના લુપ્ત થવાનો દર વધી શકે છે. માટીને બચાવવા માટે 192 દેશોની સરકારોએ, વિશ્વના 60 ટકા મતદારોએ, જાતિ, ધર્મ, રંગ, જ્ઞાતીના ભેદભાવ વગર અવાજ ઉઠાવવાનો છે. આ વખતે સોશ્યલ મીડીયા અને ટેક્નોલોજીનો પણ ટેકો મળી રહ્યો છે.’’

પૂ. સદગુરૂ ઓલ્વીચ સ્થિત ઇન્ડિયા હાઉસથી પોતાની મોટરસાયકલ પર જ વેસ્ટ મિન્સ્ટર સ્ક્વેર ગયા હતા જ્યાં તેમણે પોતાના અનુયાયીઓ અને પત્રકારોને સંબોધન કરતાં જણાવન્યું હતું કે ‘’જેટલું નુકશાન થવાનું હતું તે થઇ ચૂક્યું છે. આપણા મધા મતભેદો ભૂલીને પણે સાથે એક થઇને જમીન માટે સોએ એક થઇને અવાજ ઉઠાવવાનો છે. ‘સેવ સોઇલ’ મુવમેન્ટમાં જોડાવા અપીલ કરી પોતાના હેતુ અંગે માહિતી આપી હતી.

મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને પોતાના 30,000 કિમી લાંબા 100 દિવસ ચાલનારા અને 16 દેશોને આવરી લેનારા સેવ સોઈલ જાગૃતિ અભિયાન – મોટરસાયકલ પ્રવાસની શરૂઆત કરી હતી. તેઓ ત્યાંથી સાઉથ લંડન સ્થિત વક્ઝોલ બ્રિજ નજીક નદી કિનારે આવેલી બસવેશ્વરાજીની પ્રતિમા ખાતે ગયા હતા. જ્યાં તેમનું પૂર્વ એમપી કીથ વાઝ, ભારતીય વિદ્યાભવનના શ્રી નંદકુમાર તેમજ લેબર નેતા અને પૂર્વ મેયર ડૉ. નિરજ પાટીલ અને કન્નડ સમુદાયે તેમનું સ્વાગત કર્યું હતું.

યુકે પ્રવાસ દરમિયાને મિડલસેક્સ ક્રિકેટ ક્લબ (MCC) સાથે વાતચીત કરી આઇકોનિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ગયા અઠવાડિયે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામની પણ મુલાકાત લીધી હતી.