ભારતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા : PTI ગ્રાફિક

ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 33,750 કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસની સરખામણીમાં 22.5 ટકાનો ઉછાળો દર્શાવે છે. આની સાથે એક્ટિવ કેસ વધી 1,45,582 થયા હતા. દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા 1700 પર પહોંચી ગઈ હતી, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના નવા સ્ટ્રેનનો ફેલાવો દેશના 23 રાજ્યોમાં થયો છે. જેમાં સૌથી વધારે 510 કેસ સાથે મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ છે, જે પછી 351 કેસ સાથે દિલ્હી બીજા નંબર પર છે, કેરળમાં ઓમિક્રોનના 156, ગુજરાતમાં 136, તમિલનાડુમાં 121 અને રાજસ્થાનમાં 120 કેસ નોંધાયા હતા.

આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશના કોરોનાના કુલ કેસની સંખ્યાની સામે એક્ટિવ કેસની ટકાવારી 0.42% થાય છે. જ્યારે રિકવરી રેટ 98.20% પર પહોંચ્યો છે. છેલ્લાં 24 કલાકમાં વધુ 10,846 દર્દીઓ સાજા થયા હતા અને કોરોનાના દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 3.42 કરોડ થઈ ગઈ હતી. કોરોનાનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.68% થયો હતો.

ભારતમાં કોરોનાના નવા કેસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021માં જુલાઈ-ઓગસ્ટ મહિનામાં કોરોનાના નવા કેસનો આંકડો 45થી 30 હજારની વચ્ચે રહેતા હતા તે પછી સતત ઘટાડા બાદ ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. સવારે 8 વાગ્યે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં વધુ 123 લોકોએ પાછલા 24 કલાકમાં જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક વધીને 4,81,893 થઈ થયો. નવી કેસમાં વધારો થયો હોવા છતાં તેની અસર મૃત્યુઆંક પર હજુ સુધી દેખાઈ નથી. દેશ-વિદેશના ઘણાં એક્સપર્ટે માન્યું છે કે નવો સ્ટ્રેન ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતા હળવો છે.