વડાપ્રધાન મોદીએ મંગળવારે આપેલા ભાષણમાં સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ અંગે આજે ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આજે ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે કે તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ(CAPF)ની કૅન્ટીનમાં હવે માત્રને માત્ર સ્વદેશી ઉત્પાદનનું વેચાણ થશે. અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, હવે કૅન્ટીનમાં માત્ર સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થશે. આ નિયમ દેશભરની CAPF કેન્ટીન પર 10 જૂન 2020થી લાગુ કરાશે. આનાથી અંદાજે 10 લાખ CAPF કર્મીઓના 50 લાખ પરિવાર સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગ કરશે.અમિત શાહે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, હું જનતાને અપીલ કરું છું કે તમે દેશમાં બનેલા ઉત્પાદનોનો વધારેમાં વધારે ઉપયોગ કરો. આટલું જ નહીં અન્ય લોકોને પણ તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહીત કરો. દરેક ભારતીય જો ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરશે તો પાંચ વર્ષમાં દેશનું લોકતંત્ર આત્મનિર્ભર બની શકે છે.