ભારતમાં કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓએ સોમવારે વોટચોરીના મુદ્દે વિરોધી દેખાવો કર્યાં હતો. વિપક્ષના નેતાઓએ ચૂંટણીપંચની ઓફિસ તરફ એક રેલી કાઢી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓની અટકાયત કરાઈ હતી.
નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને બેરિકેડ તોડ્યાં હતાં. મુખ્ય વિપક્ષી કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી સહિત લગભગ 300 વિપક્ષી નેતાઓએ સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી હતી, પરંતુ પોલીસે તેમને થોડે દૂર જ અટકાવ્યા હતાં. વિપક્ષી નેતાઓએ ચૂંટણીપંચ અને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં અને આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીઓની “ચોરી” થઈ રહી છે. દિલ્હી પોલીસે ચૂંટણી પંચ તરફ જઈ રહેલી રેલીને અટકાવી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત, સાગરિકા ઘોષ સહિતના સાંસદોની અટકાયત કરી હતી. દિલ્હી પોલીસની પરવાનગી વિના રેલીનું આયોજન કરવા બદલ રેલી અટકાવવામાં આવી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લાં કેટલાંક દિવસોમાં ભાજપ અને ચૂંટણીપંચની મિલિભગત હોવાનો થતાં ચૂંટણીમાં ગેરરીતિ થતો હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. અગાઉ વિપક્ષના નેતાઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં ચેડાનો આક્ષેપ કરતાં હતો. જોકે ભાજપે કહ્યું હતું કે વિરોધ પક્ષો ચૂંટણી પ્રક્રિયા વિશે શંકાના બીજ વાવીને “અરાજકતાની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
