જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કાની 40 બેઠકો પર મંગળવાર, પહેલી ઓક્ટોબરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 65.48 ટકા જેટલું બમ્પર વોટિંગ થયું હતું. કલમ 370ના નાબૂદી પછી રાજ્યમાં વિધાનસભાની કુલ 90 બેઠકો પર પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી માટે એક્ઝિટ પોલ 5 ઓક્ટોબરે જાહેર થશે, અને ચૂંટણીનું પરિણામ 8 ઓક્ટોબરે જાહેર થશે.
પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે 24 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 61.13 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં પણ 56 ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું.
મંગળવાર યોજાયેલી 40 બેઠકોની ચૂંટણીમાંથી 24 બેઠકો જમ્મુમાં આવેલી છે અને બાકીની બેઠકો કાશ્મીરમાં આવેલી છે. ભાજપે પહેલાથી જમ્મુ અને કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે. આ વખતે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ, મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે સાત જિલ્લામાં 20,000થી વધુ મતદાન કર્મચારીઓને તૈનાત કરાયા હતાં. ચૂંટણીના આ તબક્કામાં બે ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારા ચંદ અને મુઝફ્ફર બેગ સહિત 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થયો હતો. ચૂંટણીના આ તબક્કાની મહત્ત્વની વિશેષતાઓ એ છે કે પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ, વાલ્મિકી સમાજ અને ગોરખા સમુદાયના લોકો એ પણ મતદાન કર્યું હતું, જેમને કલમ 370 નાબૂદ થયા પછી જ વિધાનસભા, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો હતો.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો ત્રીજો અને અંતિમ તબક્કો છે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને લોકશાહીની ઉજવણીને સફળ બનાવવા માટે પોતાનો મત આપે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મિત્રો ઉપરાંત મહિલા શક્તિ પણ મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લેશે.’