જાણીતી અધિકારી સંસ્થા-ઓક્સફામ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિશ્વભરમાં ભૂખમરાને કારણે દર મિનિટે 11 લોકો મૃત્યુ પામે છે. આ ઉપરાંત વિશ્વભરમાં દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરનાર લોકોની સંખ્યા ગત વર્ષની સરખામણીએ છ ગણી વધી ગઇ છે. ‘ધ હંગર વાઇરસ મલ્ટિપ્લાઇઝ’ નામના આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દુષ્કાળથી મૃત્યુની સંખ્યા કોવિડ-19થી મૃત્યુ કરતા ઘણી વધુ છે, જેમાં દર મિનિટે સાત લોકો મૃત્યુ પામે છે.
ઓક્સફામ અમેરિકાના પ્રેસિડેન્ટ અને સીઇઓ એબી મેક્સમેને જણાવ્યું હતું કે, આ આંકડા આશ્ચર્યજનક છે, આ આંકડો અકલ્પનીય પીડા સહન કરનાર લોકોમાંથી આવ્યો છે. વિશ્વભરમાં 155 મિલિયન લોકો અત્યારે અત્યંત ભૂખમરાની સ્થિતિમાં છે, જેમાંથી બે તૃતિયાંશ લોકો પોતાના દેશમાં યુદ્ધની સ્થિતિમાં જીવી રહ્યા છે. કોવિડ-19ના કારણે અર્થતંત્ર નબળું પડવાથી સંઘર્ષ અને જળવાયુ સંકટને કારણે પણ પરિસ્થિતિ બગડી છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહામારી દરમિયાન સૈના ખર્ચમાં પણ 51 બિલિયન ડોલરનો વધારો થયો છે. રીપોર્ટમાં યમન, સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક, અફઘાનિસ્તાન, સાઉથ સુદાન, વેનેઝુએલા, સીરિયા સહિતના ઘણા દેશોને ભૂખમરાની સૌથી ખરાબ સ્થિતિની યાદીમાં મુકવામાં આવ્યા છે.
ઓક્સફામે જણાવ્યું હતું કે, સામૂહિક બેરોજગારી અને અન્નના ઉત્પાદનમાં ગંભીર અડચણોને કારણે વૈશ્વિક ક્ષેત્રે અન્નની કિંમતમાં 40 ટકાનો વધારો થયો છે, જે એક દસકાથી વધુ સમયમાં સૌથી મોટો વધારો છે.
ઓક્સફામે વિવિધ દેશોની સરકારોને ઘર્ષણોને કારણે ઊભો થનારા ભૂખમરાને રોકવા માટે અનુરોધ કર્યો છે. ઉપરાંત આર્થિક રીતે સમૃદ્ધ દેશોને ભૂખમરાને ઓછો કરવા માટે યુનાઇટેડ નેશન્સના પ્રયાસોમાં તાત્કાલિક અને સંપૂર્ણ ભંડોળ આપવા પણ અનુરોધ કર્યો છે.