અભ્યાસના બહાર આવેલા નવા ડેટા મુજબ ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીનો ત્રીજો ડોઝ કોરોનાવાયરસના વિવિધ વેરિયન્ટૉસ સામે શરીરનું સંરક્ષણ વધારી શકે છે. રસીનો બીજો ડોઝ લીધાના 6 માસ પછી  રસીનો ત્રીજો ડોઝ લેવાથી શરીરને આલ્ફા (કેન્ટ), બીટા (દક્ષિણ આફ્રિકા) અને ડેલ્ટા (ભારત) વેરિયન્ટ સામે રક્ષણ મળે છે અને વિવિધ વેરિયન્ટ સામે શરીરમાં એન્ટિબોડી ડેવલપ થાય છે.

ઑક્સફર્ડ વેક્સિન ટીમના વડા સર એન્ડ્ર્યૂ પોલાર્ડે કહ્યું હતું કે ‘’પરિણામો ઉત્સાહજનક છે અને વધારાની સુરક્ષાની જરૂર છે તેમ જો નક્કી કરવામાં આવશે તો આ વર્ષના અંતે ઓક્સફર્ડ જેબનો ઉપયોગ બૂસ્ટર શોટ્સ માટે થઈ શકે છે. બીટા સ્ટ્રેઇનનો સામનો કરવા માટે તૈયાર કરેલા રસીના ફેરફાર કરાયેલા સંસ્કરણની ચકાસણી કરવા માટેના ક્લિનિકલ ટ્રાયલ્સ આગામી સપ્તાહોમાં આગળ વધશે. યુકેમાં પ્રબળ બનેલ ડેલ્ટા વેરિયન્ટ માટે હાલમાં પ્રાધાન્યતા ઓછી છે કારણ કે ડેટા સૂચવે છે કે મૂળ ઑક્સફર્ડ રસી તેની સામે પહેલેથી જ સારું કામ કરી રહી છે. બીટા વેરિયન્ટ રસીની પ્રતિરક્ષાથી બચી રહ્યો છે અને તેથી તેના સામે નવી રસી ઉપલબ્ધ કરવી જરૂરી છે જે ભવિષ્યમાં સારી રોગપ્રતિકારક શક્તિ ઉભી કરી શકશે. નવા વેરિયન્ટ સામે ઝડપથી કામ કરે તેવી રસી તૈયાર કરવી અને પછી સંપૂર્ણ પરીક્ષણ અને મંજૂરીની પ્રક્રિયા વિશે રેગ્યુલેટર્સ સાથે કામ કરવું તે માટે સિસ્ટમની તપાસ કરવાની જરૂર છે.’’

ડેલ્ટા વાઇરસ પર એસ્ટ્રાઝેનેકા રસીની અસરકારકતા અંગે પ્રકાશિત કરાયેલા ડેટામાં સાફ જણાયું હતું કે એન્ટિબોડીઝના સ્તર, જે તે વાઇરસના કણોને વળગી રહે છે અને કોષોને ચેપ લાગતા અટકાવે છે.  પ્રક્રિયામાં રસીના ત્રીજા ડોઝથી નોંધપાત્ર વધારો થયો છે. રોગપ્રતિકારક શક્તિનું બીજું પાસું, જેને ટી-સેલ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે તેની માત્રા પણ બીજા ડોઝ પછી વધેલી જણાઇ હતી. રસીના પ્રથમ ડોઝ પછી ઓછામાં ઓછા એક વર્ષ સુધી એન્ટિબોડીનું સ્તર ઉંચુ રહ્યું હતું. જોકે સંશોધનકારોએ ભાર મૂક્યો હતો કે બે ડોઝની જરૂર છે.

આ અધ્યયનનું નેતૃત્વ કરનાર ઑક્સફર્ડ યુનિવર્સિટીના ટેરેસા લેમ્બે કહ્યું હતું કે “તે જાણી શકાયું નથી કે પ્રતિરક્ષા વધારવાને કારણે બૂસ્ટર જેબ્સની જરૂર પડશે કે નહીં. પણ ઑક્સફર્ડ રસીનો ત્રીજો ડોઝ એન્ટિબોડીના પ્રતિભાવમાં નોંધપાત્ર વધારો કરે છે. જો ત્રીજા ડોઝની જરૂરિયાત પડશે તો તે સંજોગોમાં આ ખૂબ જ પ્રોત્સાહક સમાચાર છે.”

પોલાર્ડે ઉમેર્યું હતું કે ‘’90 ટકા કેસીસમાં હોસ્પિટલમાં દાખલ થતા રોકવા માટે રસીના બે ડોઝ પૂરતા છે. રસીનો ત્રીજો ડોઝ તેમાં બીજા કેટલાક ટકા ઉમેરશે તે કહેવું મુશ્કેલ છે.’’

ત્રીજા ડોઝ પછી તાવ અને થાક જેવી આડઅસરોનો દર પણ ઓછો હતો. લોહીના ગંઠાવાની અસર  પ્રથમ ડોઝ સાથે જોડાયેલી છે પરંતુ બીજા ડોઝથી નહીં. પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 45 અઠવાડિયા સુધીનો વધુ વિલંબ, બીજા ડોઝ પછી વધુ સારૂ ફળ આપે છે.