કાશ્મીરમાં આતંકી હુમલા પછી ભારતે 7મેએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યાના આશરે ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવાર 10મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત કરાઈ હતી. જોકે આ દિવસની રાત્રે જ પાકિસ્તાનને ભારત પર ડ્રોન હુમલા કર્યા હતા તથા કાશ્મીરમાં અંકુશરેખા પર ભારે ફાયરિંગ કર્યું હતું. જોકે ભારતે આ તમામ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હતાં. જોકે રવિવારે બંને દેશોએ એકબીજા પર કોઇ હુમલા કર્યા હતાં.
પાકિસ્તાનને શસ્ત્રવિરામનો ઉલ્લંઘન કર્યા પછી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, અને સશસ્ત્ર દળો પર્યાપ્ત અને યોગ્ય જવાબ આપી રહ્યા છે. ભારત આ ઉલ્લંઘનોની ખૂબ જ ગંભીર નોંધ લે છે.
અગાઉ ભારતે પણ જાહેરાત કરી હતી કે દ્વિપક્ષીય સમજૂતીને પગલે ભારત સરકારે જમીન, સમુદ્ર અને આકાશી હુમલા રોકવા અને સૈન્ય કાર્યવાહી અટકાવવાનો નિર્ણય કર્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશને બપોરે 3.35 કલાકે ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન સાથે વાત કરી હતી. જેમાં બંને પક્ષે સાંજે પાંચ કલાકથી ફાયરિંગ તથા લશ્કરી કાર્યવાહી રોકવા સંમતિ આપી હતી.
શનિવારે બપોરે શસ્ત્ર વિરામ રોકવાની ખાતરી આપ્યા બાદ પાકિસ્તાને ત્રણ કલાકથી ઓછા સમયમાં પલટી મારી હતી અને સાંજ સુધીમાં નાપાક હુમલા શરૂ કરી દીધા હતા. જમ્મુ-કાશ્મીરના અખનૂર સેકટર અને પીર પંજાલ વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા હતા. ત્યાર બાદ થોડા સમયમાં જ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ નાપાક હરકતો શરૂ થઈ હતી.
જમ્મુ-કાશ્મીરના નગરોટામાં સૈન્ય છાવણી પર આતંકવાદી હુમલો થયો હતો. રાત્રે 8 વાગ્યાથી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના અખનૂર, પૂંચ, નૌશેરા શ્રીનગર આરએસપુરા, સાંબા, ઉધમપુરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. રાજૌરીમાં તોપમારા અને ઉધમપુરમાં ડ્રોન હુમલાની ઘટના બની હતી. જમ્મુ, શ્રીનગર કઠુઆ અને ઉધમપુરમાં અંધારપટ લાગુ કરી દેવાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નલિયા અને જખૌ વિસ્તારમાં 15 જેટલા ધડાકાના અવાજ સંભળાયા હતા. રાજસ્થાનમાં બાડમેર અને ઉત્તરલાઈ એરફોર્સ સ્ટેશન પર શનિવારે રાત્રે ત્રણ ધડાકા સંભળાયા હતા. આ ઉપરાંત સ્થાનિકોએ કલેક્ટર કચેરી ઉપર ડ્રોન જોવા હતા. બાડમેરમાં સતત સાયરનો ગૂંજી રહી છે.
