પાકિસ્તાનમાં સંસદની વિવાદાસ્પદ ચૂંટણીમાં ગત ગુરુવારે મતદાન કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે 133 બેઠકો જરૂરી છે. જોકે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના પ્રેસિડેન્ટ નવાઝ શરીફે પરિણામો જાહેર થયા પહેલા જ ઊજવણી કરીને સૌથી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. જોકે, પોતે બહુમતીથી ઘણા દૂર હોવાથી તેમણે તમામ રાજકીય પક્ષોને સાથે મળી સરકાર બનાવવા પર ભાર મૂક્યો હતો.

બીજી તરફ ભૂતપૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઈમરાન ખાનના પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવાર અસદ કૈસરે કેન્દ્રમાં પીટીઆઈનું પ્રતિનિધિત્વ સૌથી વધુ હોવાનો દાવો કર્યો હતો. આથી પાકિસ્તાનમાં ત્રિશંકુ સરકાર રચાવાની સંભાવના છે. આ ચૂંટણીમાં ઈમરાન ખાને જેલમાં રહીને સફળતા મેળવતા નવાઝ શરીફ અને સેનાને પડકાર ફેંક્યો હતો. આ પરિણામો પછી તેઓ હવે નવી સરકારમાં કિંગમેકર બની શકે છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે ૨૬૫ બેઠકોમાંથી ૨૨૪ બેઠકોના પરિણામ જાહેર કર્યા હતા, જેમાં ૯૨ બેઠકો સાથે પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારો સૌથી આગળ હતા. પીએમએલ-એન ૬૩ અને પીપીપીનો ૫૦ બેઠકો પર વિજય થયો હતો. અન્ય નાના પક્ષોની ૧૯ બેઠક પર જીત થઇ હતી.

ભૂતપૂર્વ વડાપ્રધાન અને પીએમએલ-એનના પ્રેસિડેન્ટ નવાઝ શરીફે તેમના સમર્થકોને સંબોધન કરતાં કહ્યું કે, ચૂંટણીમાં આપણો પક્ષ દેશનો સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે તેથી હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આપણે પાકિસ્તાનના જનાદેશનું સન્માન કરીએ છીએ. સૌથી મોટો પક્ષ હોવાથી આપણી ફરજ છે કે આપણે દેશને આ મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીએ. જોકે, પીએમએલ-એન સરકાર બનાવવા માટે જરૂરી બહુમતના આંકડા સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નથી. આથી નવાઝ શરીફે નાના ભાઈ શાહબાઝ શરીફને પાકિસ્તાનના અન્ય પક્ષો સાથે મળીને ગઠબંધન સરકાર બનાવવાની ચર્ચા કરવાની જવાબદારી સોંપી છે.

LEAVE A REPLY

18 + 7 =