પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સોમવાર સવારે બે પેસેન્જર ટ્રેનો અથડાતા થયેલી ગમખ્વાર દુર્ઘટનામાં ઓછામાં ઓછા 36 મુસાફરોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા, (Photo by SHAHID ALI/AFP via Getty Images)

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સોમવાર સવારે બે પેસેન્જર ટ્રેનો અથડાતા થયેલી ગમખ્વાર દુર્ઘટનામાં ઓછામાં ઓછા 50 મુસાફરોના મોત થયા હતા અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. બંને ટ્રેનમાં આશરે 1,000 મુસાફરો હતા, તેથી મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે.

પાકિસ્તાન રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કરાચીથી સારગોધા જઈ રહેલી મિલ્લત એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી હતી અને સામેના ટ્રેક પર પડી હતી. તેનાથી તે સર સૈયદ એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ હતી. સર સૈયદ એક્સપ્રેસ કરાચીથી રાવરપિંડી જઈ રહી હતી. આ અકસ્માત સિંઘ પ્રાંતના ઘોટકી જિલ્લાના ધારકી શહેર નજીક થયો હતો.

ભયાનક ટ્રેન અકસ્માત બાદ ઘોટકી ઓબારો અને મીરપુરની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ઘોટકીના ડેપ્યુટી કમિશનર ઉસ્માન અબ્દુલ્લાએ કહ્યું હતુ કે મહિલાઓ સહિત ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા અને 70થી વધુ ઘાયલ થયા હતા. કોચ પલટી મારતા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલીઓ આવી રહી છે.

પાકિસ્તાની અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધી શકે છે. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 13થી 14 કોચ પલટી ગયા હતા. તેમાંથી 6થી 8 સંપૂર્ણ નાશ પામ્યા છે. તેમણે કહ્યું કે ઘણા લોકો હજી પણ કોચમાં ફસાયેલા છે અને તેમને બચાવવા ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે રાહત ટ્રેન રવાના કરવામાં આવી છે.