Uniform Civil Code Bill
(ANI Photo/SansadTV)

વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદના શિયાળુ સત્રને નિર્ધારિત સમય કરતાં કરતાં એક દિવસ વહેલા સમાપ્ત કરવાની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. સંસદના આ સત્રમાં વિવિક્ષ મુદ્દે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો અને પક્ષ વિપક્ષ એકબીજા સામે આક્ષેપો કર્યા હતા. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આજે અનિશ્ચિત મુદત સુધી સ્થગિત કરવામાં આવી છે. શિયાળુ સત્રમાં લોકસભામાં 12 અને રાજ્યસભામાં એક એમ કુલ 13 બિલો રજૂ કરવામાં આવ્યા હતા. આમાંથી 11 બિલોને સંસદના બંને સત્રમાં બહાલી આપવામાં આવી હતી.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વિપક્ષ 2019માં ભાજપના વડપણ હેઠળના એનડીએના વિજયને પચાવી શક્યો ન હોય તેમ લાગે છે. કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના સાંસદોને નિયમોનો ભંગ કરીને સસ્પેન્ડ કરીને સરકારે રાજ્યસભામાં કૃત્રિમ બહુમતી હાંસલ કરી હતી અને મહત્ત્વના બિલો કોઇ ચર્ચા વગર હોબાળા વચ્ચે મંજૂર કર્યા હતા.
જોશીએ જણાવ્યું હતું કે વિપક્ષે શોરબકોર કર્યો હોવા છતાં લોકસભામાં આશરે 82 ટકા અને રાજ્યસભામાં આશરે 28 ટકા કામગીરી થઈ શકી હતી. શિયાળુ સત્રનો પ્રારંભ 29 નવેમ્બરે થયો હતો અને 23 ડિસેમ્બરે પૂર્ણ થવાનું હતું.
સંસદના બંને ગૃહોને અનિશ્ચિત મુદત માટે મોકૂફ રાખવામાં આવ્યા બાદ જોશીએ જણાવ્યું હતું કે એ કમનસીબ છે કે વિપક્ષ સાથે સહમતી સાધવાના અમે ઘણા પ્રયાસો કર્યા હોવા છતાં વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો. કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષો હજુ પણ 2019ના જનાદેશને પચાવી શક્યા નથી.
રાજ્યસભામાં વિપક્ષના 12 સભ્યોને સસ્પેન્ડ કરવાના નિર્ણય અને ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરીની હિંસા સહિતના મુદ્દા અંગે વિપક્ષ લગાતાર તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો. વિપક્ષના સભ્યો સંખ્યાબંધ પ્રસંગે રાજ્યસભા અને લોકસભામાં પોસ્ટરો લઈને ગૃહના મધ્યભાગમાં ધસી ગયા હતા.
રાજ્યસભાના ઉપાધ્યક્ષ એમ વૈંકેયા નાઇડુએ ખેદ વ્યક્ત કર્યો હતો કે વારંવારના હોબાળાને કારણે રાજ્યસભા તેની પૂરી ક્ષમતાએ કામગીરી કરી શકી નથી. તમામ સભ્યોએ આત્મચિંતન કરવું જોઇએ કે આ સત્રને કેવી રીતે વધુ અલગ અને સારું બનાવી શકાયું હોત.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે વિવિધ મુદ્દે સહમતી અને અસહમતી ગૃહમાં શોરબકોર મારફત નહીં, પરંતુ ચર્ચામાં વ્યક્ત થવી જોઇએ. ગૃહની સરળ કાર્યવાહી તમામ પક્ષકારોની જવાબદારી હોવાનો ઉલ્લેખ કરતાં બિરલાએ જણાવ્યું હતું કે ગૃહ સામાહિક ઇચ્છાશક્તિ અને સર્વસંમતી મુજબ ચાલવી જોઇએ. વિવિધ મુદ્દા પર રાજકીય પક્ષોમાં મતભેદ અંગે બિરલાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં મતભેદો સહજ છે, પરંતુ તે તંદુરસ્ત ચર્ચામાં વ્યક્ત થવા જોઇએ. તેમણે ગૃહમાં ખલેલની પ્રયુક્તિ ન અપનાવવા માટે સભ્યોને અનુરોધ કર્યો હતો.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે સંયુક્ત પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર જાહેર મહત્ત્વના મુદ્દા ઉઠાવતા રોકવા માટે વિપક્ષનો અવાજ દબાવી રહી છે. સરકારનો ઇરાદા ચર્ચા વગર તાકીદે બિલો પાસ કરવાનો હતો. સરકાર પોતાનો એજન્ડા પૂરો કરવા માગતી હતી.

રાજ્યસભાના સાંસદ અને ભાજપના મુખ્યપ્રવકતા અનિલ બલુનીએ જણાવ્યું હતું કે આ સત્રનો હેતુ વિવિધ મુદ્દા અંગે વિપક્ષ સરકાર સામે સવાલ કરે તથા લોકસભા અને રાજ્યસભામાં પોતાની ચિંતા વ્યક્ત કરે તેવો હતો, પરંતુ વિપક્ષ ગેરવર્તણુક અને ખલેલ મારફત સંસદના ગૌરવની અવગણના કરી હતો. વિપક્ષ લોકહિતના મુદ્દા ઉઠાવવાની ભૂમિકા ભજવામાં નિષ્ફળ રહ્યો છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો હંમેશા લોકોના મુદ્દાની અવગણના કરી છે, તેથી લોકો પણ તેમની અવગણના કરે છે.

સરકારે શિયાળુ સત્રમાં છ બિલો વધુ વિચારણા માટે સંસદની સ્થાયી સમિતિમાં મોકલ્યા હતા. આ બિલોમાં બાળલગ્ન પ્રતિબંધ (સુધારા) ખરડાનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં મંગળવારે વોટિંગ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાના બિલને મંજૂરી આપી હતી.