કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરિશ રાવતે બુધવારે રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષમાં મતભેદોનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. (ANI Photo)

ઉત્તરાખંડ કોંગ્રેસમાં હવે વિખવાદ ઊભો થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરિશ રાવતે બુધવારે રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષમાં મતભેદોનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. તેમણે સંખ્યાબંધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પક્ષના સંગઠને મને પીઠ બતાવી છે.

તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીરૂપી દરિયામાં મગરો છૂટા મૂકવામાં આવ્યા છે અને તેમાં મારે તરવાનું છે.
રાવતે રાજકીય સંન્યાસ લેવાનો પણ સંકેત આપ્યો હતો. જોકે કોંગ્રેસના સૂત્રે જણાવ્યું હતું કે ટિકિટોના વહેંચણીમાં વધુ ભાગ ભજવવા અને પોતાને મુખ્યપ્રધાનના ઉમેદવાર બનાવવાની આ દબાણ પ્રયુક્તિ હોવાની શક્યતા છે. પાર્ટીના ઉત્તરાખંડના પ્રભારી દેવેન્દ્ર યાદવ તેમની સાથે વાતચીત કરશે.

એક ટ્વીટમાં રાવતે જણાવ્યું હતું કે “અમારે ચૂંટણીના દરિયામાં તરવાનું છે અને મોટાભાગની જગ્યાએ સહકાર માટેનું સંગઠન માળખુ સહકાર આપવાની જગ્યાએ પોતાની પીઠ બતાવી રહ્યું છે અથવા નકારાત્મક ભૂમિકા ભજવે છે, શું આ વિચિત્ર નથી? ”

કોંગ્રેસ નેતાગીરીનો દેખિતો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જે લોકો સૂચનાનું પાલન કરે તેવી અપેક્ષા છે તેવા લોકોએ મારા હાથ અને પગ બાંધી દીધા છે. તેઓ દ્વિધામાં છે અને આશા છે કે નવું વર્ષ તેમને રસ્તો બતાવશે.
આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ઉત્તરાખંડમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની પાંચ દિવસની મુલાકાત પૂરી થયા બાદ રાવતે આ ટીપ્પણી કરી છે. રાવતના એક સલાહકારે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણીસભામાંથી રાવતના પોસ્ટર્સ દૂર કરવામાં આવ્યા હતા.